કેરળ, તમિળનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ: શાળાઓ બંધ
તિરુવનંતપુરમ: કેરળ, તમિળનાડુ, પુડુચેરીમાં બુધવારે ભારે વરસાદ પડ્યો હતો અને અનેક શાળાઓમાં રજા આપી દેવાઈ હતી તેમજ સામાન્ય જનજીવનને માઠી અસર થઈ હતી. કેરળમાં આઈએમડી (ઈન્ડિયા મિટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ – ભારતીય હવામાન વિભાગ)એ બુધવારે ઈહુકી અને પઠાનામિથ્યામાં એક દિવસની ઓરેન્જ એલર્ટ જાહેર કરી હતી.
જ્યારે ક્ધનોર અને કાસરગોડ સિવાયના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરી હતી. બાર સેમીથી ૨૦ સેમી વરસાદનું ઓરેન્જ એલર્ટમાં અને છથી અગિયાર સેમી વરસાદનું યલો એલર્ટમાં વર્ગીકરણ કરવામાં આવે છે.
તમિળનાડુ પરના સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે આગામી પાંચ દિવસમાં વીજળીના ચમકારા અને મેઘનાદ સાથેનો સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. ૨૨-૨૪ નવેમ્બર દરમિયાન કેરળમાં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન તમિળનાડુના સંખ્યાબંધ જિલ્લાઓમાં બુધવારે પણ ભારે વરસાદ પડ્યો હતો.
મંગળવારે કેરળમાં સાબરીમાલામાં ભગવાન અય્યપાના દર્શન કરવા જનારા હજારો શ્રદ્ધાળુઓને ભારે વરસાદના પગલે અગવડ પડી હતી. તિરુવનંતપુરમના ઘણા માર્ગ અને ટેકરી વિસ્તારોમાં પાણી ભરાયા હતા.