કેન્યા અને સોમાલિયામાં ભારે વરસાદ અને પૂર: ૪૦નાં મોત
નૈરોબી: કેન્યા અને સોમાલિયામાં ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત થયા છે અને હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
સોમાલિયામાં ખરાબ હવામાનને લીધે ૨૫ લોકોના મોત અને ઘરો, રસ્તાઓ અને પુલોનો નાશ થયા બાદ સરકારે કટોકરી જાહેર કરી હતી. બચાવ કર્મચારીઓ દક્ષિણ સોમાલિયાના જુબાલેન્ડ રાજ્યના લુઉક જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા અંદાજીત ૨,૪૦૦ સ્થાનિકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. યુએનની કો-ઓર્ડિનેશન ઓફ હ્યુમન અફેર્સે જુબા અને શબેલે નદીઓમાં પૂરના ઊંચા જોખમની ચેતવણી આપી હતી અને જુબાના સમગ્ર પંથકમાં રહેતા લોકોને
સ્થળાંતર કરવાની હાકલ કરી હતી. સોમિલાયામાં સતત ચાર વર્ષની દુષ્કાળની પરિસ્થિતિ બાદ ભારે વરસાદ પડ્યો છે.
પાડોશી કેન્યામાં, કેન્યા રેડ ક્રોસે જણાવ્યું હતું કે, શુક્રવારથી ભારે વરસાદ શરૂ થયો ત્યારથી મૃત્યુઆંક વધીને ૧૫એ પહોંચી ગયો છે. જેમાં બંદર શહેર મોમ્બાસા અને ઉત્તરપૂર્વીય કાઉન્ટીઓ મંડેરા અને વજીર સૌથી વધુ અસરગ્રસ્ત છે. રવિવાર સુધીમાં અચાનક પૂરના કારણે ૨૪૧ એકર ખેતીની જમીનનો નાશ થયો હતો અને ૧,૬૦૭ પશુઓના મોત થયા હતા. ઇથોપિયાના સોમાલી પ્રદેશમાં પણ ભારે વરસાદ અને પૂર આવ્યાના અહેવાલો છે. જ્યાં પૂરના પાણીથી ઘરો અને ખેતીની જમીનો નાશ પામ્યા બાદ હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.