
નવી દિલ્હીઃ દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજધાની દિલ્હીમાં શુક્રવારે સવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા હતા, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો હતો. વરસાદના કારણે સવારના સમયે ઓફિસ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ખરાબ હવામાનના કારણે આશરે 40 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી.ભારતીય હવામાન વિભાગે દિલ્હી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગમી બે કલાકમાં દિલ્હી અને આસપાસના વિસ્તારમાં 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ આગામી થોડા દિવસો સુધી ગરમીમાં રાહત મળશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની સંભાવના છે. આઈએમડીએ લોકોને ઘરમાં રહેવા અને બારી-દરવાજા બંધ રાખવાની સલાહ આપી છે. આઈએમડીએ કોઈપણ પ્રકારની મુસાફરીથી બચવાની પણ સલાહ આપી છે.
હવામાન વિભાગે દિલ્હી, નોયડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં 4 મે સુધી વાવાઝોડા અને વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 5 મે સુધી ઉત્તરાખંડમાં હવામાન બદલાવાથી ગરમીથી રાહત મળવાની શક્યતા છે. રાજ્યમાં વીજળીના ચમકારા સાથે 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં ઉનાળા વચ્ચે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. 3 મેથી લઈને 7 મે વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. 3 મેના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 4 મે ના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી તેમજ પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 5 મે ના દિવસે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પવન સાથે વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
શુક્રવારે સવારે હરિયાણામાં પણ વરસાદ પડ્યો હતો. જેન લઈ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ટ્રાફિકને અસર થઈ હતી. હવામાન વિભાગે 6 મે સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ-ગિલગિટ, બાલટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ગાજવીજ અને 40-60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન સિક્કિમ, બિહાર, ઓડિશા, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ક્યાંક ક્યાંક કરા પડી શકે છે. રાજસ્થાનના બાડમેર, જેસલમેર, બીકાનેર તથા જોધપુર જિલ્લામાં લૂ નું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કોટા, બાંસવાડા, ચિત્તોડગઢ, ઝાલાવાડમાં વાદળ છવાયેલા રહેશે અને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે.