29 અને 30મીએ સૌરાષ્ટ્રમાં ભારે વૃષ્ટિની આગાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રવિવારે સાંજે 6 કલાકે પૂરા થયેલા 12 કલાકમાં ગુજરાતના 69 તાલુકાઓમાં વરસાદ થયો હતો. સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ નર્મદાના નાંદોદ તાલુકામાં થયો હતો. ઉપરાંત આ જ જિલ્લાના તિલકવાડામાં ત્રણ ઇંચ અને દેડિયાપાડામાં બે ઇંચ વર્ષા થઇ હતી. દરમિયાન સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભચ, તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. વરસાદને લઈને હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે, 29 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ 29 અને 30 તારીખે વધુ મજબૂત બનશે. જેનાથી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે છે.
સત્તાવાર સૂત્રોથી મળેલી માહિતી મુજબ ભચ જિલ્લાના ભચ તાલુકામાં રવિવારે બપોરે 12થી 2 માં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના ઉમરપાડા તાલુકામાં પણ બે ઇંચ વરસાદ 12 કલાકમાં થયો હતો. રાજકોટના જામકંડોરણામાં બપોર પછી વરસાદ શરૂ થતાં 2થી 6માં બે ઇંચ પાણી વરસ્યું હતું. તે જ રીતે અમરેલીના ખાંભામાં પણ 2 ઇંચ વરસાદ થયો હતો.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ રવિવારે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના છ તાલુકામાં બે ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 19 તાલુકામાં એક ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. ચુડા ઉપરાંત બોટાદ તાલુકામાં પણ દોઢ મહિના બાદ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલમાં અઢી ઇંચ તો નવસારી જિલ્લા તાલુકામાં બે ઇંચ અને ચીખલીમાં પણ બે ઇંચ તથા જલાલપોરમાં પણ બે ઇંચ વરસાદ થયો હતો.