જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ શનિવારે તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ મૌસમનું પ્રથમ તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જે ૧૭ ઑક્ટોબર સુધી ઉત્તર-પશ્ર્ચિમ અને મધ્ય ભારતને પ્રભાવિત કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક વેધર સિસ્ટમ છે. જે ભૂમધ્યમાં ઉદ્ભવે છે અને ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં બિનમોસમી વરસાદ લાવે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સોમવારે પંજાબમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનના ભાગોમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મધ્ય પાકિસ્તાન અને પાડોશી વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ ઉભું થયું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર જે ૧૫ ઑક્ટોબરે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે મર્જ થવાની સંભાવના સાથે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ સિસ્ટમને અરબી સમુદ્રમાંથી ભેજ મળવાનું અનુમાન હોવાથી તે જ સમયગાળા દરમિયાન ઉત્તર પશ્ર્ચિમ ભારતમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા પછી હિમાલયમાંથી સૂકા ઉત્તર-પશ્ર્ચિમ પવનો ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં નીચલા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં પ્રવર્તે તેવી શક્યતા છે. પરિણામે પ્રદેશમાં ૧૭ ઑક્ટોબરથી તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.