નેશનલ

રાજસ્થાનમાં ભારે મતદાન

મતદાર, ચૂંટણી કર્મચારીને હાર્ટ અટૅક, પથ્થરમારાની ઘટના

વીઆઈપી મતદારો: રાજસ્થાનમાં શનિવારે યોજાયેલા મતદાનમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, કૉંગ્રેસના નેતા સચીન પાઈલોટ, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે અને કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (એજન્સી)

ઉત્સાહી મતદારો: રાજસ્થાનમાં શનિવારે યોજાયેલા મતદાનમાં મતદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. (એજન્સી)

જયપુર: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પચીસ નવેમ્બર, શનિવારે ભારે (સરેરાશ અંદાજે ૭૦ ટકા) મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામ ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે. તરાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠકમાંથી ૧૯૯ બેઠક પર શનિવારે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. મતદાન વખતે મતદાર અને ચૂંટણી કર્મચારીના હાર્ટ અટૅકથી મૃત્યુની, અમુક જગ્યાએ ઝઘડા અને પથ્થરમારાની ઘટના બની હતી. ભાજપ અને કૉંગ્રેસે કેટલીક જગ્યાએ બનાવટી મતદાનને લગતી ફરિયાદ કરી હતી.

રાજસ્થાનની આ ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થઇ રહી છે. રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠકમાંની પચીસ અનુસૂચિત જાતિ, ૩૪ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે, જ્યારે ૧૪૧ બેઠક સામાન્ય દરેક ઉમેદવાર માટે છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ મુખ્ય પક્ષ છે. બન્ને પક્ષે દરેક બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. આ ઉપરાંત, બહુજન સમાજ પક્ષ (બસપ) અને આમ આદમી પાર્ટી (આપ)એ પણ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.

રાજસ્થાન વિધાનસભાની મુદત ૨૦૨૪ની ૧૪ જાન્યુઆરીએ પૂરી થવાની હોવાથી આ ચૂંટણી યોજાઇ હતી.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજે ૬૮.૨૪ ટકા મતદાન થયું હતું અને આખરી ટકાવારીમાં થોડો વધારો થવાની આશા છે એટલે અંત સુધીમાં સરેરાશ અંદાજે ૭૦ ટકા મતદાન થવાની શક્યતા છે. અંતિમ ચોક્કસ ટકાવારી ચૂંટણીપંચ દ્વારા રવિવારે જાહેર કરાશે.

હનુમાનગઢમાંરૂઅંદાજે ૭૭ ટકા, પાલીમાં આશરે ૬૩ ટકા, જયપુરમાં ૭૧ ટકા અને અશોક ગહલોતના મતદાર ક્ષેત્રમાં ૬૩ ટકા મતદાન થયું હતું. ધૌલપુર જિલ્લાના બાડી વિધાનસભા ક્ષેત્રના અબ્દુલપુર ગામમાં મતદાન વખતે બે પક્ષ વચ્ચે ઝઘડો થતાં સામસામો પથ્થરમારો કરાયો હતો. જયપુરના પલવાના
જાટાન ગામના લોકોએ જનપ્રતિનિધિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને મતદાન કર્યું નહોતું.

અમુક સ્થળે કતારમાં ઊભા રહેલા મતદાર અને ક્યાંક ચૂંટણી કર્મચારીના હૃદયરોગના હુમલાથી મૃત્યુની ઘટના પણ નોંધાઇ હતી.

કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વડરાએ સોશિયલ મીડિયા ‘એક્સ’ પર મતદારોને કૉંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હોવાથી ભાજપે ચૂંટણી પંચ સમક્ષ આ સંબંધમાં ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થયો હોવાનો આક્ષેપ કરીને ફરિયાદ કરી હતી અને તેઓના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બંધ કરાવવા અને ફોજદારી કાર્યવાહી કરવા વિનંતિ કરી હતી.

કરણપુરની બેઠક પરના કૉંગ્રેસના ઉમેદવાર ગુરમિતસિંહ કૂનરનું નિધન થતાં ત્યાં મતદાન મુલતવી રખાયું હતું. તેઓ આ બેઠક પરના હાલના વિધાનસભ્ય હતા.

રાજસ્થાનમાં અંદાજે ૫.૨૫ કરોડ મતદાર અનેક મોટા નેતાનું રાજકીય ભાવિ નક્કી કરશે. રાજ્યમાં મહિલાઓની સલામતી, ભ્રષ્ટાચાર, પેપર ફોડીને યુવાનોના ભાવિ સાથે રમાયેલી રમત જેવા વિવિધ મુદ્દા ચૂંટણી પ્રચારમાં ચગાવાયા હતા. અગાઉ, ગુરુવારે સાંજે છ વાગ્યે ચૂંટણીપ્રચાર બંધ થયો હતો.

ચૂંટણી પંચે મતદારોને જાણકારી આપવા માટે દરેક ઉમેદવારના સોગંદનામા (એફિડેવિટ) અને તેઓની ગુનામાંની સંડોવણીને લગતા રેકોર્ડ વેબસાઇટ પર અપલોડ કર્યા હતો.

ભાજપનું સંગઠન રાજસ્થાનમાં ઘણું મજબૂત છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, હિંદુત્વ જેવા મુદ્દે તેણે મતદારોને આકર્ષવા દરેક પ્રયાસ કર્યા હતા. ઉદયપુરમાંના કનૈયાલાલના કેસને પગલે ભાજપને જમણેરી પાંખના લોકોનો પણ ટેકો મળવાની આશા રખાય છે.

કૉંગ્રેસની જેમ ભાજપના રાજ્ય એકમમાં નેતાઓ વચ્ચે જાહેરમાં મતભેદ નથી દેખાતા, પરંતુ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિવાય રાજ્યમાં કોઇ મોટા નેતાનો ભાજપમાં અભાવ જણાય છે.

ભાજપે રાજસ્થાનના ઘણાં મતદારોમાં સરકાર વિરોધી વલણથી મતદાન ભાજપની તરફેણમાં વધુ થયું હોવાનો દાવો કર્યો હતો.

ભાજપે રાજ્યમાં મહિલાઓ સામેના ગુના સહિતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમ જ ભ્રષ્ટાચારને મુદ્દે અશોક ગહલોતની સરકારને ઘેરવા બનતા દરેક પ્રયાસ કર્યા હતા.

કૉંગ્રેસમાં અશોક ગહલોત અને સચિન પાઇલટ વચ્ચેના મતભેદની ખાસ અસર મતદારો પર નથી દેખાતી. સચિન પાઇલટ હજી પણ ગુજ્જર સમુદાયમાં અગ્રણી નેતા ગણાય છે.

કૉંગ્રેસે મતદારોને મેડિકલ વીમા, રોજગારી, સસ્તો રાંધણગૅસ, મહિલાઓ માટે સસ્તા કે મફત સ્માર્ટફૉન જેવા અનેક વચન આપ્યા હતા.

રાજસ્થાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા અનેક નેતાએ ચૂંટણીપ્રચારમાં આગળ પડતો ભાગ લીધો હતો. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…