નેશનલ

મધ્ય પ્રદેશ-છત્તીસગઢમાં ભારે મતદાન

મધ્ય પ્રદેશમાં ૭૩.૭૨ અને છત્તીસગઢમાં ૬૮.૧૫ ટકા

મતદાન: છત્તીસગઢ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન કરવા પરંપરાગત તીરકામઠાં સાથે આવી પહોંચેલા મતદારો. મધ્ય પ્રદેશના જબલપુરમાં શુક્રવારે મતદાન કરવા મતદાન મથક ખાતે લાઈનમાં ઊભા રહેલા મતદારો. (એજન્સી)

ભોપાલ/રાયપુર: શુક્રવારે મધ્ય પ્રદેશમાં ૭૩.૭૨ ટકા મતદાન અને છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાનમાં ૬૮.૧૫ ટકા મતદાન નોંધાયું હતું. મધ્ય પ્રદેશની ૨૩૦ બેઠક માટેનું મતદાન ૭.૦૦ વાગે શરૂ થયું હતું. જે સાંજના ૬.૦૦ કલાકે પૂરું થયું હતું. જ્યારે છત્તીસગઢની ૭૦ બેઠક માટેનું મતદાન સવારે ૮.૦૦ વાગે શરૂ થયું હતું અને સાંજના ૫.૦૦ વાગે બંધ થયું હતું. જો કે સુરક્ષાના કારણોસર ગરિયાબંદ જિલ્લાની બિંદ્રાનવાગઢ બેઠકના નવ કેન્દ્ર પર મતદાન સવારે ૭.૦૦ થી બપોરના ૩.૦૦ સુધી હાથ ધરવામાં આવ્યું હતું.

સાતમી નવેમ્બરે છત્તીસગઢની કુલ ૯૦ બેઠકમાંથી ૨૦ બેઠકો માટે પ્રથમ તબક્કામાં ૭૮ ટકા મતદાન નોંધાયું હતું.

શુક્રવારે છત્તીસગઢમાં ૮૨૭ પુરુષ, ૧૩૦ મહિલા અને એક ટ્રાન્સજેન્ડર ઉમેદવારનું રાજકીય ભાવિ ઈવીએમમાં બંધ થયું હતું. ૧૮,૮૩૩ મતદાન મથક પર ૮૧,૪૧,૬૨૪ પુરુષ, ૮૧,૭૨,૧૭૧ મહિલા અને ૬૮૪ ટ્રાન્સજેન્ડર મતદાન માટે પાત્ર હતા.

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ૨૩૦ બેઠક માટે ૨૫૩૩ ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. જેમાં ૨૨૮૦ પુરુષ, ૨૫૨ મહિલા અને એક ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે. કુલ ૫,૬૦,૬૦,૯૨૫ મતદારો મતદાન માટે પાત્ર હતા. બંને રાજ્યની મતગણતરી ત્રીજી ડિસેમ્બરે થશે.

છત્તીસગઢમાં આજે થયેલું મતદાન મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ સહિત આઠ રાજ્ય પ્રધાનો અને સંસદના ચાર સભ્યોનું રાજકીય ભાવિ નક્કી કરશે. છત્તીસગઢમાં ૨૦ બેઠકો માટે પ્રથમ તબક્કાની ચૂંટણી ૭ નવેમ્બરે યોજાઈ હતી. જેમાં ૭૮ ટકા મતદાન થયું હતું. છત્તીસગઢમાં મુખ્યત્વે સ્પર્ધા ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે. બિલાસપુર વિસ્તારની કેટલીક બેઠકો પર અન્ય પક્ષો પણ મેદાનમાં આવ્યા છે. જેમાં છત્તીસગઢના ભૂતપૂર્વ સીએમ અજિત જોગીની પાર્ટી અને બીએસપીનો પણ પ્રભાવ છે.

મધ્ય પ્રદેશમાં શાસક પક્ષ દ્વારા સત્તા યથાવત્ રાખવા કલ્યાણકારી યોજનાઓ અને મહિલાઓના ખાતામાં રોકડ ટ્રાન્સફરના વારંવાર દાવા કરવામાં આવ્યા હતા. સત્તાધારી લોકોએ પ્રજાને લાંબાગાળે આર્થિક ઉન્નતિ અને વિકાસની દૃષ્ટિ આધારિત સંકલ્પો રજૂ કરવાને બદલે મતદારોને ત્વરિત લાભો આપીને ખુશ કરવા દોડ લગાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button