
નવી દિલ્હી : ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો આકરી ગરમીની (Heat Wave)લપેટમાં છે. દિલ્હી,(Delhi) ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર અને મધ્યપ્રદેશમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી રહ્યું છે. કાળઝાળ ગરમીની સાથે સાથે દિવસ દરમિયાન પણ આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગના(IMD)જણાવ્યા અનુસાર દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન આકાશમાં હળવા વાદળો રહેશે. આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે દિલ્હી-NCR સહિત અનેક રાજ્યો વરસાદ(Rain)પડવાની આગાહી કરી છે.
દિલ્હીમાં બે દિવસ પછી વરસાદ પડી શકે છે
ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે દિલ્હી-NCRમાં મંગળવાર અને બુધવારના દિવસે આકરી ગરમી સાથે હીટ વેવની સ્થિતિ પ્રવર્તશે. આ પછી 20 અને 21 જૂન દિલ્હી અને એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે દિલ્હીમાં બે દિવસ બાદ હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.
નજફગઢમાં તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચી ગયું છે
સોમવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગરમીને જોતા દિલ્હીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં 45.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જે સિઝનની સરેરાશ કરતા 6.5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. સોમવારે દિલ્હીના નજફગઢ વિસ્તારમાં તાપમાન 46.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતાં 7 ડિગ્રી સેલ્સિયસ વધુ છે.
બે દિવસ પછી બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે
બિહારના લોકો પણ ગરમીથી પરેશાન છે. સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું કે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની આસપાસ ચોમાસું રોકાઈ ગયું છે. આવી સ્થિતિમાં ચોમાસું બે-ચાર દિવસમાં બિહારની સરહદમાં પ્રવેશ કરશે. બિહારના ઘણા જિલ્લાઓમાં 20 જૂન સુધી વરસાદની સંભાવના છે.
48 કલાક બાદ મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદ થશે
મધ્યપ્રદેશના શિવપુરી, ગ્વાલિયર, સતના અને છતરપુરમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી રહ્યું છે. મધ્ય પ્રદેશના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સોમવારે હળવો વરસાદ થયો હતો. તે જ સમયે, હવે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.