Holi પછીના બે દિવસ વધુ ગરમીમાં શેકાવવા તૈયાર રહેજો, હવામાન ખાતાએ કરી આગાહી…
મુંબઈ: માર્ચ મહિનાના અંતમાં જ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો સતત ઊંચેને ઊંચે જઈ રહ્યો છે તો વળી કેટલાક વિસ્તારોમાં કમૌસમી વરસાદ પણ પડી રહ્યો છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં માર્ચ મહિનામાં જ તાપમાન 39 ડિગ્રી પર પહોંચી જતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે.
હવે નાગરિકોની આ હાલાકીમાં વધુ ઉમેરો કરતી કા હવામાન ખાતા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હોળી બાદ આગામી બે દિવસ સુધી તાપમાનમાં હજી વધારો જોવા મળશે અને પારો 40 ડિગ્રીનો આંકડો વટાવે એવી શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લાં કેટલાય દિવસથી વહેલી સવારે ઠંડકનો અનુભવ થાય છે પણ સવારે 10 વાગ્યા સુધીમાં તો ઉકળાટ થવા લાગે છે. આગામી કેટલાક દિવસોમાં આ ઉકળાટમાં વધારો થાય એવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર, છતીસગઢ અને બિહારમાં તો માર્ચ મહિનામાં જ ઉષ્ણતામાનનો આંકડો 40 ડિગ્રી પર પહોંચી ગયો હતો.
હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એક તરફ લોકો હોળી ઉજવવાની તૈયારી કરી રહ્યા છે ત્યાં બીજી બાજું હોળી પર અને હોળી બાદ વધુ ઉકળાટ અનુભવાશે. સૂકા હવામાનને કારણે ઉષ્ણતામાનમાં હજી વધારો થઈ શકે છે. કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં વાતાવરણ ખૂબ જ સૂકું છે અને દક્ષિણ ભારતમાંથી રાજ્ય તરફ ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. જેને કારણે ઉષ્ણતામાનમાં વૃધ્ધિ થશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
રાજ્યમાં સવારે 10 વાગ્યાથી તડકો અને ગરમી અનુભવાય છે. 27મી માર્ચ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે સખત ગરમી પડવાની છે. સામાન્યપણે દર વર્ષે એપ્રિલ- મે મહિનામાં અનુભવાતી ગરમી આ વખતે માર્ચ મહિનામાં જ અનુભવાઈ રહી છે, જેને કારણે રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ઉષ્ણતામાનમાં આ વધારો 1970થી થઈ રહ્યો છે અને 2024 સુધી તે સતત વધતો જ જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ક્યારેય પણ આ સમયગાળામાં ઉષ્ણતામાનમાં ઘટાડો જોવા મળ્યો નથી. આ વખતે માર્ચ મહિનામાં આ જ પરિસ્થિતી જોવા મળી રહી છે. એમાં પણ હોળી બાદ તો આ ગરમીના પ્રમાણમાં હજી વધારો જોવા મળશે એવો અંદાજ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.