લો બોલો, બિલાડીને બચાવવા જતા મહિલા 8મા માળેથી પટકાઇને મોતને ભેટી, બિલાડી સલામત
પશ્ચિમ બંગાળ: કલકત્તાની આ ઘટના છે કે જ્યાં પોતાની પાલતુ બિલાડીને બચાવવાના પ્રયાસોમાં એક મહિલા પોતાનો જીવ ગુમાવી બેઠી. બિલ્ડિંગના આઠમા માળે બિલાડી ફસાઇ ગઇ હતી અને મહિલા તેને બહાર કાઢવાની મથામણ કરી રહી હતી. એવામાં અચાનક તે નીચે પટકાઇ અને તેનું મોત થઇ ગયું.
અંજના દાસ નામની આ મહિલા લગભગ દોઢ મહિના પહેલા જ બિલાડીને ઘરમાં લાવી હતી. તે રવિવારે તેની બિલાડીને શોધી રહી હતી પરંતુ તે તેને મળી નહિ, આજે સવારે તેને એક કોર્નરમાં ટર્પોલિનમાં ફસાયેલી હાલતમાં મળી આવી હતી, તેને ત્યાંથી કાઢવા તે સેન્ડલ કાઢીને તેને ખસેડવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ એવામાં તેનો પગ લપસ્યો અને તે નીચે પટકાઇ.
કલકત્તાના ટોલીગંજ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સૌકોઇ હેરાન છે. સોસાયટીના ગાર્ડ્ઝ દ્વારા કોઇના પડવાનો અવાજ આવતા તેઓ તરત જ દોડ્યા હતા અને લોહીથી લથપથ અંજનાની લાશ જોઇને તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યું થઇ ગયું હતું. અંજનાના જૂના ઘરમાં રિનોવેશન ચાલી રહ્યું હોવાથી તે અને તેનો પરિવાર 11 મહિના આ બિલ્ડિંગમાં ભાડે રહેવાનો હતો. તેના પરિવારમાં તે અને તેની વૃદ્ધ માતા જ હતા. તેનો પતિ તેની સાથે રહેતો નથી તેવું વિગતોમાં સામે આવ્યું છે.