નેશનલ

યુવાનોમાં હાર્ટ એટેકઃ જિમ અને વર્ક પ્રેશર કેટલું જવાબદાર ? સંસદમાં સરકારે શું કહ્યું ?

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો આજે પાંચમો દિવસ છે. ઉત્તર પ્રદેશના સાંસદ અશોક કુમાર રાવતે સંસદમાં યુવાનોમાં હાર્ટ એટેક અને મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકારે આ વાત પર ધ્યાન આપ્યું છે કે દેશમાં, ખાસ કરીને જિમ જતાં યુવાનોમાં હાર્ટ અટેક અને તેનાથી મૃત્યુના બનાવો વધી રહ્યા છે. જો હા, તો તેની વિગતો શું છે અને આ અંગે સરકારની શું પ્રતિક્રિયા છે.

શું સરકારને એ પણ જાણ છે કે ખાનગી ક્ષેત્રમાં વધુ પડતું કાર્યનું દબાણ, મોડે સુધી કામ કરવાની પ્રવૃત્તિ તથા જિમમાં વધુ પડતો શારીરિક શ્રમ જેવા પરિબળો પણ દેશમાં આવી ઘટનાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, અને જો હા, તો તેની વિગતો શું છે; (ગ) શું આ સંબંધમાં સરકાર પાસે કોઈ અભ્યાસ/નિષ્ણાત રિપોર્ટ ઉપલબ્ધ છે, અને જો હા, તો તેની વિગતો શું છે; (ઘ) શું સરકારનો વિચાર કાર્ય અને જીવનમાં સંતુલન અને સુરક્ષિત કસરતની પદ્ધતિઓ વિશે કોઈ ગાઇડલાઇન જારી કરવાનો/કોઈ જન જાગૃતિ અભિયાન શરૂ કરવાનો છે, અને જો હા, તો તેની વિગતો શું છે; અને (ઙ) યુવાનોમાં હૃદય સંબંધિત બીમારીઓ અને તેનાથી થતા મૃત્યુના વધતા બનાવોને રોકવા માટે સરકારે અત્યાર સુધીમાં કયા પગલાં લીધા છે/લેવાનો પ્રસ્તાવ છે? જેવી વિગત માંગી હતી.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્ય પ્રધાન પ્રતાપ રાવ જાદવે તેનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ICMRએ માહિતી આપી છે કે હૃદયના હુમલાના કારણોને સમજવા માટે ભારતમાં 25 હોસ્પિટલોમાં એક કેસ-કંટ્રોલ અભ્યાસ હાથ ધર્યો હતો. આ કેસમાં 18-45 વર્ષની વયના દર્દીઓેને આવરી લેવામાં આવ્યા હતા. આ દર્દીઓ ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2023 વચ્ચે હોસ્પિટલોમાં નવા નિદાન થયેલા એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (AMI) સાથે દાખલ થયા હતા.

આ ઉપરાંત આ વય જૂનથા અન્ય દર્દીઓ પણ અન્ય કારણોસર તે જ હોસ્પિટલમાં દાખલ હતા. તમામ પાસેથી વિવિધ જોખમી પરિબળો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું કે AMI સાથે હોસ્પિટલમાં દાખલ થવું એ ફેમિલી હિસ્ટ્રી અને ક્યારેય ધૂમ્રપાન કરવા સાથે સંકળાયેલું હતું.

આ ઉપરાંત તેમણે કહ્યું, સ્વાસ્થ્ય એ રાજ્યનો વિષય છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, રાષ્ટ્રીય બિન-ચેપી રોગ નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ (NP-NCD) હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડે છે. હૃદય રોગ NP-NCD નો એક અભિન્ન ભાગ છે. આ કાર્યક્રમ હેઠળ 770 જિલ્લા NCD ક્લિનિક્સ, 6410 સામુદાયિક આરોગ્ય કેન્દ્ર NCD ક્લિનિક્સ અને 233 કાર્ડિયાક કેર યુનિટ્સની સ્થાપના કરવામાં આવી છે.

આ ઉપરાંત, વ્યાપક પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળના ભાગ રૂપે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) હેઠળ દેશમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સહિત સામાન્ય NCDs ના નિવારણ, નિયંત્રણ અને તપાસ માટે વસ્તી-આધારિત પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ, 30વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓની તપાસ કરવામાં આવે છે.

હાર્ટ એટેકના બનાવો અંગે હબ-એન્ડ-સ્પોક મોડેલ લાગુ કરવામાં આવ્યું છે. જિલ્લા હોસ્પિટલ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (સ્પોક), મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં અદ્યતન સારવાર આપવામાં આવે છે. ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હૃદય રોગો સહિત બિન-ચેપી રોગો (NCDs) વિશે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે.

આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા વ્યાપક પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ઉપરાંત, ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણ (FSSAI)ના નેતૃત્વમાં ઈટ રાઈટ ઇન્ડિયા અભિયાન, મીઠું, ખાંડ અને ટ્રાન્સ ફેટના ઓછા સેવનને પ્રોત્સાહન આપે છે. ફિટ ઇન્ડિયા અભિયાન યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવે છે અને આયુષ મંત્રાલય દ્વારા યોગ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button