નેશનલ

ગુજરાતના એન્કાઉન્ટર્સ અંગે સુપ્રીમ કોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી

નવી દિલ્હી: વર્ષ ૨૦૦૨થી વર્ષ ૨૦૦૬ વચ્ચે ગુજરાતમાં કહેવાતા બનાવટી એન્કાઉન્ટર્સની તપાસની માગણી કરતી બે અલગ અરજીઓની સુનાવણી આવતા અઠવાડિયે હાથ ધરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે બુધવારે જાહેર કર્યો હતો. વરિષ્ઠ પત્રકાર બી.જી. વર્ગીઝ તથા વિખ્યાત ગીતકાર જાવેદ અખ્તર અને શબનમ હાશમીએ કહેવાતા બનાવટી એન્કાઉન્ટર્સની તપાસની માગણી સાથે વર્ષ ૨૦૦૭માં કરેલી અરજીઓ બાબતે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું. અરજદારોમાંથી બી.જી. વર્ગીઝનું વર્ષ ૨૦૧૪માં અવસાન થયું હતું.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચને સુનાવણી મુલતવી રાખવાની વિનંતી કરતો પત્ર પક્ષકારોમાંથી એકે મોકલ્યો હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં પ્રાઇવેટ પક્ષકારોનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર ઍડ્વોકેટ મુકુલ રોહતગી અસ્વસ્થ તબિયતને કારણે હાજર રહી શકે એમ નહીં હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું હતું. એક અરજદાર તરફથી ઍડ્વોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે આ કેસ લાંબા વખતથી
પ્રલંબિત છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨થી વર્ષ ૨૦૦૬ના ગાળામાં કહેવાતા બનાવટી એન્કાઉન્ટર્સની તપાસ કરનારી એચ. એસ. બેદી કમિટિનો રિપોર્ટ પણ ઘણા વખત પહેલાં આવી ગયો છે. બેન્ચે જણાવ્યું હતું કે કોઈ વકીલની તબિયત સારી ન હોય તો તેમના સ્થાનનું માન જાળવીને સુનાવણી આવતા અઠવાડિયા પછીની તારીખ પર મોકૂફ રાખવામાં આવે છે. બેદી કમિટિએ તપાસ કરેલા ૧૭ કેસમાંથી ૩ કેસમાં સંબંધિત પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની ભલામણ કરી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button