આજે શા માટે ઉજવાય છે World Stroke Day, ખબર છે દર વર્ષે કેટલા લોકો મોતને ભેટે છે?

મગજ આપણા શરીરનો સૌથી નાજુક અને સૌથી મહત્વનો ભાગ છે. સ્ટ્રોક એ મગજ સંબંધિત એક ગંભીર તબીબી કટોકટી છે, જેમાં મગજના કોઇ પણ ભાગમાં લોહીનો પ્રવાહ ઓછો થઇ જાય છે, જેને આપણે ઇસ્કેમિક સ્ટ્રોક કહીએ છીએ. જ્યારે ત્યાં નસ ફાટી જાય ત્યારે રક્ત નીકળે છે, જેને બ્રેઇન હેમરેજ કહેવાય છે. આપણે આમ તો આ રોગ વિશે બહુ નથી જાણતા, પણ સ્ટ્રોક વિશ્વમાં મૃત્યુનું ત્રીજું સૌથી મોટું કારણ છએ. દર વર્ષએ આશરે 50 લાખ લોકો આ રોગને કારણે કાયમી રીતે વિકલાંગ બની જાય છે.
આ પણ વાંચો : સવાર સવારમાં આ પાંચ લક્ષણ દેખાઈ તો સમજી લો ડાયાબિટિસ છે અને…
દર વર્ષે 29 ઓક્ટોબરના રોજ વિશ્વ સ્ટ્રોક દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ સ્ટ્રોક દિવસ 2024ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્ટ્રોક (મગજના હુમલા) વિશે જાગૃત કરવાનો અને તેના નિવારણના પગલાં તરફ ધ્યાન દોરવાનો છે. સ્ટ્રોક એ ગંભીર તબીબી સ્થિતિ છે. તેની સમયસર સારવારથી જીવ બચાવવાની શક્યતા વધી જાય છે, પણ તેમ છતાં દર્દીએ લાંબા સમય સુધી માનસિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જાણીતા ન્યુરો સર્જન જણાવે છે કે દર વર્ષે સ્ટ્રોકના કેસોમાં વધારો થાય છે. હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, શારિરીક પ્રવૃતિનો અભાવ, નબળી જીવનશૈલી, હાઇ કોલેસ્ટ્રોલ, આલ્કોહોલ, ધુમ્રપાન, તણાવ, બિનઆરોગ્યપ્રદ આહાર વગેરેને કારણે સ્ટ્રોકના જોખમમાં વધારો થાય છે. આ ઉપરાંત મગજના જ્ઞાનતંતુઓની કેટલીક બીમારીને કારણે પણસ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
હવે આપણે સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણો જાણીએ
જો આપણે સમયસર આ બીમારીને ઓળખી લઇએ અને સારવાર કરાવીએ તો તેનાથી બચવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે. ચહેરો એક તરફ વળી જાય, હાથ કે પગમાં નબળાઇ લાગે, બોલવામાં લોચા વળવા માંડે તો આપણે દર્દીને તુરંત ન્યુરોલોજીસ્ટ પાસે લઇ જઇ સારવાર કરાવવી જોઇએ.
મગજ આપણા શરીરનું સૌથી નાજુક અંગ છે. એને કંઇ પણ થાય તો આખી જિંદગી સમસ્યા થઇ શકે છે. તેથી 30-35 વર્ષ બાદ નિયમિત નિયમિત બ્લડ પ્રેશરની, ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવું ઘણું જરૂરી છે. આ ઉપરાંત તમને જો હાઇ કોલેસ્ટ્રોલ હોય અને તમારું ટ્રાઈગ્લિસરાઈડ્સ વધી ગયું હોય તો એને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. આ ઉપરાંત નિયમિત વ્યાયામ, યોગ, સ્વસ્થ આહાર, આલ્કોહોલ, સિગારેટ અને ધૂમ્રપાનથી દૂર રહેવાથી અને તણાવ દૂર કરવાથી પણ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
આ પણ વાંચો : કેટલીક આદતો જે તમારી કિડનીને નુક્સાન પહોંચાડે છે
આ ઉપરાંત 60 વર્ષ બાદ એકાદ વાર મગજનો એમઆરઆઇ કરાવવો પણ હિતાવહ છે.