
જૂનાગઢ: આગામી દિવસોમાં જૂનાગઢ ખાતે ભવનાથના સિદ્ધ ક્ષેત્રમાં મહાશિવરાત્રિના મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર પણ મેળાને અતિ ભવ્યતા સાથે ઉજવવા માંગે છે. માટે જ ભવનાથ ખાતે મેળામાં પધારનારા શ્રદ્ધાળુઓના આરોગ્યની જાળવણી માટે તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી વિગતો અનુસાર, આગામી મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓના આરોગ્યની જાળવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મેળા દરમિયાન આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૨૮ હંગામી દવાખાનાઓ શરૂ કરવામાં આવશે. આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા વાહનોની પ્રવેશ બંધી કરવામાં આવી હોવાથી લોકોને તળેટી સુધી પહોંચવાનું રહેશે.
હાલ રાજયના તાપમાનમાં પણ ફેરફાર થયો છે, ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને બપોરના સમયથી ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે ચાલીને ભવનાથ તળેટી સુધી પહોંચવાનું હોવાથી આ દરમિયાન કોઈ શ્રદ્ધાળુને આરોગ્ય સુવિધાની જરૂરિયાત જણાઈ આવે તેવી સ્થિતિને પણ પહોંચી વળવા માટે તંત્ર દ્વારા મેડિકલ ટીમમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓના આગમન પૂર્વે આરોગ્ય વિભાગની ટીમ સ્ટેન્ડ બાય રહેશે.
જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સામે રોડ પર રેસ્ટ હાઉસ, પ્રેરણા ધામ, પ્રકૃતિ ધામ, કંટ્રોલરૂમ સામે ભવનાથ, નાકોડા દવાખાનુ (આઈસીયુ), ગિરનાર દરવાજા, ભરડાવાવ, સ્મશાન ત્રણ રસ્તા, પાજનાકા પુલ પાસે, ખાખચોક સામે, નારાયણ ધરા તરફ જતા રોડના નાકા પાસે, રૂપાયતન ત્રણ રસ્તા સર્કલ, ભગીરથ વાડીની જગ્યા પાસે, રીંગરોડ સીતારામ મંદિર પાસે વડલા નીચે, મંગલનાથ બાપુની જગ્યાની પાછળના ભાગે ફોરેસ્ટ દિવાલ પાસે, ગિરનાર સીડી ગેટના ગ્રાઉન્ડમાં, જમાલવાડી પાર્કિંગ, કાળુભાઈની વાડી પાર્કિંગ, જીનમ આશ્રમ પ્રાઇવેટ પાર્કિંગ, વાઘેશ્વરી મંદિર પાર્કિંગ, લુહાર જ્ઞાતિની જગ્યાના ખૂણા પાસે, મહેર સમાજ સામે આવકારવાળી ગલીમાં, સાબલપુર, મજેવડી દરવાજા, ઍસટી બસ સ્ટેન્ડ અંદરના ભાગે, અને રેલ્વે સ્ટેશન તથા ગિરનાર પર્વત પર જૈન દેરાસર અને અંબાજી મંદિર પાસે મેડિકલ ટીમ કાર્યરત રહેશે.
મેળા દરમિયાન ૧૩ મીની અને ૬- 108 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. મેળા વિસ્તારમાં એક આઈસીયુ યુનિટ સહિત ૭ મેડિકલ દવાખાના, અને ૨૧ પેરા-મેડિકલ દવાખાનાઓ ઊભા કરવામાં આવનાર છે. સારવાર માટે આરોગ્ય વિભાગના ૨૧૦ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે સેવા આપશે.



