મમતા બેનરજીની સરકાર પર કોલકાતા હાઇ કોર્ટે લગાવ્યો રૂ. 50 લાખનો દંડ
જાણો કારણ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને કલકત્તા હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે મમતા બેનરજીની સરકારને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે મહિલા સહકારી મંડળીમાં કથિત ગેરરીતિઓની તપાસ CIDને બદલે CBI અને ED દ્વારા કરાવવાના આદેશનો અમલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ આ દંડ ફટકાર્યો છે.
હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે 24 ઓગસ્ટના રોજ આદેશ આપ્યો હતો કે આ કેસની તપાસ CBI અને EDને સોંપવામાં આવે અને સાથે જ આ કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો પણ કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવે,પરંતુ પશ્ચિમ બંગાળ સરકારે હજુ સુધી તેની તપાસ CBI અને EDને સોંપી નથી.
તેથી હાઈકોર્ટે દંડ ફટકાર્યો છે. સરકારે આ રકમ બે સપ્તાહમાં હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે જમા કરાવવી પડશે. આ સાથે જ હાઈકોર્ટે સીબીઆઈ અને ઈડીને દસ્તાવેજો સોંપવા માટે સરકારને ત્રણ દિવસનો સમય આપ્યો છે.
નોંધનીય છે કે રાજ્યના અલીપુરદાર જિલ્લામાં મહિલા સહકારી મંડળીમાં 50 કરોડ રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો. લોકોએ કમિટીમાં જમા કરાવેલા પૈસા પાછા મળ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પછી આ સમિતિએ 2020માં કામ કરવાનું બંધ કરી દીધું હતું.
CID આ કેસની ત્રણ વર્ષથી તપાસ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે જમા કરાયેલા પૈસા ક્યાં ગયા. CID તપાસથી નારાજ હાઈકોર્ટે આ કેસની તપાસ CBI અને EDને કરવાનો આદેશ આપ્યો હતો.