રાજા સિંહ ઠાકુરને મીરા રોડમાં રેલી યોજવાની હાઇકોર્ટની શરતી મંજૂરી
મુંબઈ: તેલંગણાના ફાયરબ્રાન્ડ હિંદુ ચહેરો ગણાતા ભાજપના વિધાનસભ્ય ટી. રાજાસિંહ ઠાકુરને મીરા રોડમાં રેલી યોજવાની પરવાનગી આપી દેવામાં આવી છે. ટી.રાજા સિંહને પહેલા મીરા રોડમાં રેલી યોજવાની પરવાનગી સ્થાનિક પોલીસ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
રાજા સિંહના વિવાદાસ્પદ નિવેદનો અને ઇતિહાસ જોતા, તેમ જ રામ જન્મભૂમિમાં રામલલાની મૂર્તિના સ્થાપનની પૂર્વ રાતે થયેલી હિંસાને પગલે રાજા સિંહને રેલી યોજવાની પરવાનગી આપવામાં આવી નહોતી. જોકે, આ વખતે તેમને આપવામાં આવેલી પરવાનગી પણ શરતી છે. ભડકાઉ ભાષણ ન આપવાની શરતે તેમને રેલી યોજવાની મંજૂરી આપવામાં આવી છે.
છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે રાજા સિંહે રેલી યોજવાની પરવાનગી માગતી અરજી મીરા રોડ અને કાશીમીરા રોડ પોલીસ સ્ટેશનમાં કરી હતી. જોકે, આ અરજી રાજા સિંહના ઇતિહાસ અને બાવીસ જાન્યુઆરીના રોજ ચોક્કસ સમુદાય દ્વારા હિંદુઓ પર થયેલા હુમલા બાદ વણસેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ફગાવી દેવાઇ હતી.
રાજા સિંહને અહીં આવી ભાષણ ન આપવાની અરજી એઆઇએમઆઇએમના વારીસ પઠાણ દ્વારા પણ કરવામાં આવી હતી. આ આવેદન પત્ર લઇ વારીસ પઠાણ મીરા રોડ પણ પહોંચ્યા હતા. જોકે, વારીસ પઠાણના કારણે કોઇ અનિચ્છનીય સ્થિતિ ઊભી ન થાય એ માટે તેમની અટક કરવામાં આવી હતી.