હાથરસ: હાથરસ(Hathras)જિલ્લાના સિકંદરારાવ સ્થિત ફૂલરૌ મુગલગઢી ગામમાં મંગળવારે દુર્ઘટના થઈ હતી. જેમાં ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં અચાનક નાસભાગમાં 121 લોકોના મોત થયા છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથએ(Yogi Adityanath)હાથરસની જિલ્લા હોસ્પિટલમાં નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. આ પહેલા તેઓ અધિકારીઓને મળ્યા હતા અને હાથરસ પોલીસ લાઈનમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાથરસ પોલીસ લાઇન્સમાં તેમનું હેલિકોપ્ટર ઉતર્યા બાદ તેમણે આ બેઠક યોજી હતી. અગ્ર સચિવ મનોજ કુમાર, જીપી પ્રશાંત કુમાર અને રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ રાતથી હાથરસમાં પડાવ નાખીને બેઠા છે.
આર્થિક સહાયની જાહેરાત કરી
હાલ આ દુર્ઘટનાના મૃતકોનું પીએમ અલીગઢના પોસ્ટ મોર્ટમ હાઉસમાં ચાલી રહ્યું છે. મંગળવારે જ સીએમ યોગીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
મોટી સંખ્યામાં લોકો બેભાન થઈ ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સત્સંગમાં 1.25 લાખથી વધુ લોકો હાજર હતા.કાર્યક્રમ બાદ બધા જ જવાની ઉતાવળમાં હતા. ગરમી અને ભેજના કારણે ભક્તો પરેશાન થયા હતા. આ દરમિયાન બાબાના કાફલાને બહાર કાઢવા માટે લોકોને રોકી દેવામાં આવ્યા હતા. બધા બાબાને નજીકથી જોવા માંગતા હતા આવી સ્થિતિમાં પાછળથી ભીડનું દબાણ વધી ગયું. રોડની બાજુમાં ભેજવાળી માટી અને ખાડાઓને કારણે આગળના લોકો દબાણ સહન ન કરી શક્યા અને એક પછી એક પડવા લાગ્યા. લોકો ખાસ કરીને જમીન પર પડી ગયેલી મહિલાઓ અને બાળકો પાસેથી પસાર થતા હતા. થોડી જ વારમાં બૂમો પડી ગઈ. મોટી સંખ્યામાં લોકો બેભાન થઈ ગયા હતા.
મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર
આગરા-અલીગઢ ડિવિઝનના પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવામાં, તેમના પ્રિયજનોની શોધમાં ભટકી રહેલા લોકોને મદદ કરવામાં અને મૃતકોના મૃતદેહોને સન્માનપૂર્વક સોંપવામાં હાથરસ અને સિકંદરરાઉમાં મોડી રાત સુધી વ્યસ્ત રહ્યા. પરિવારો રાહત કામગીરી દરમિયાન વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હાથરસ પ્રશાસને લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે.