Hethras Stampede: હાથરસ દુર્ઘટના મામલે SITએ 300 પાનાનો રીપોર્ટ સુપરત કર્યો, ભોલે બાબાનો ઉલ્લેખ નહીં
હાથરસ નાસભાગની ઘટના(Hethras Stampede stampede)ની તપાસ કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર(Uttar Pradesh government) સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની રચના કરી છે. SIT એ હાથરસ નાસભાગની ઘટના અંગે 300 પાનાનો તપાસ રિપોર્ટ સોંપ્યો છે.
2 જુલાઈના રોજ સાકર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબા(Bhole baba)ના સત્સંગમાં નાસભાગ મચી જવાથી 121 લોકો માર્યા ગયા હતા. SIT પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે સત્સંગનું આયોજન કરતી સમિતિની બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે. આ ઉપરાંત વહીવટીતંત્ર પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જો કે રિપોર્ટમાં ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ નથી. તપાસ ટીમમાં એડીજી આગ્રા ઝોન અનુપમ કુલશ્રેષ્ઠ અને અલીગઢના કમિશનર ચૈત્રા વી સામેલ છે.
SITએ 300 પાનાનો રિપોર્ટ તૈયાર કરવા અને નાસભાગના સ્થળે શું થયું તે જાણવા માટે 119 લોકોના નિવેદન નોંધ્યા છે. સત્સંગમાં 2 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી, જ્યારે પ્રસાશને લગભગ 80,000 લોકોને એકઠા થવાની પરવાનગી આપી હતી. આવી સ્થિતિમાં વહીવટીતંત્ર અને આયોજન સમિતિ સવાલોના ઘેરામાં છે. સૂત્રોએ જણાવ્યું કે અહેવાલમાં નાસભાગ પાછળનું મુખ્ય કારણ ભીડભાડને ટાંકવામાં આવ્યું છે.
જે દિવસે નાસભાગ થઈ તે દિવસે 2 જુલાઈએ ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓના નિવેદનો પણ સામેલ કરવામાં આવ્યા છે. SITના રિપોર્ટમાં પીડિત પરિવારોના નિવેદનો પણ સામેલ છે. અગાઉ, ઉત્તર પ્રદેશ ન્યાયિક પંચની ટીમે હાથરસ નાસભાગ કેસમાં અનેક પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધ્યા હતા.
6 જુલાઈએ હાથરસ નાસભાગ કેસ બાબતે ભોલે બાબા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તે જ દિવસે બાબાએ એક સંદેશમાં કહ્યું હતું કે તેઓ હાથરસ નાસભાગની ઘટનાથી દુ:ખી છે અને પીડિત પરિવારોને ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખવા કહ્યું હતું.