લખનઉ: ઉત્તર પ્રદેશના હાથરસમાં 121 લોકોના મોતને 25 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે. અહી સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં મચેલી ભાગદોડમાં 121 લોકોના મોત થયા છે.. જો કે જેના સત્સંગમાં આ દુર્ઘટના સર્જાય હતી તે ભોલે બાબાનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. સાથે જ હજુ સુધી FIRમાં આરોપી બાબાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માત્ર નાની માછલીઓને જ પકડવામાં આવી રહી છે. FIRમાં માત્ર સેવાદારનું નામ છે.
આ દરમિયાન સાકર હરિ ઉર્ફે સૂરજપાલ ભોલે બાબાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવવા લાગ્યો છે. 121 લોકોને મરતા છોડીને નાસી છૂટેલા બાબાના જૂના ગુનાહિત મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ બાબાની અગાઉ ધરપકડ કરવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી છે. આ ભોલે બાબાની વર્ષ 2000માં પોલીસે આગરાથી ધરપકડ કરી હતી. ત્યારબાદ આ બાબા સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે બાદમાં પુરાવાના અભાવે તમામને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
આ કેસના સાક્ષી પંકજે ખાનગી હિન્દી મીડિયા ચેનલ સાથે આશ્ચર્યજનક બાબતો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાકર હરિ ઉર્ફે ભોલે બાબાને કોઈ સંતાન નથી પણ તેણે કેન્સરપીડિત એક છોકરીને દત્તક લીધી હતી. એક દિવસ તે અચાનક બેભાન થઈ ગઇ પછી અનુયાયીઓએ કહ્યું કે ભોલે બાબા તેમને સાજી કરશે. થોડા સમય પછી તે હોંશમાં આવી અને પછીથી તેનું મૃત્યુ થયું. તેના મૃતદેહને આગરાના મલ્લ ચબૂતરા સ્મશાનમાં અંતિમ ક્રિયાઓ માટે લઈ જવામાં આવ્યો, તેમ છતાં અનુયાયીઓ એ બાબતે મક્કમ હતા કે ભોલે બાબા આવશે અને છોકરીને પુનઃ જીવિત કરશે.
આ પન વાચો : હાથરસની હોનારત માટે કોણ જવાબદાર, પ્રશાસન પર ઊઠ્યા સવાલો?
તેમણે જણાવ્યું કે ત્યારબાદ ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અનુયાયીઓ પર લાઠીચાર્જ કર્યા બાદ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ પોતે ફરિયાદી બની હતી પરંતુ પુરાવાના અભાવે સૂરજપાલ સાકર હરિ ઉર્ફે ભોલે બાબા સહિત 7 લોકોને કોર્ટે નિર્દોષ મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા વર્ષ 2000માં જ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.