ક્ષણિક આવેગમાં યુટ્યુબર દંપતીએ કર્યું કંઇક એવું…
દર્શકોને પોતાની કલા દર્શાવી, વ્યુ જનરેટ કરવાનો ક્રેઝ આજકાલના ઘણા યુવાનોને લાગ્યો છે. આ લોકો સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો લોડ કરીને ધૂમ કમાણી કરે છે. ઘણા કપલ પણ આવા વીડિયો કન્ટેન્ટથીધૂમ કમાણી કરે છે. વીડિયોમાં લોકોને મજા પડે, રસ પડે એવા અવનવા કન્ટેન્ટ હોય છે.
વીડિયો કન્ટેન્ટને જેટલા વધુ વ્યુઝ મળે એટલી કન્ટેન્ટ ક્રિએટરની કમાણી વધે. આવા જ એક વીડિયો કન્ટેન્ટ ક્રિએટર કપલે એકબીજા સાથે થયેલી દલીલ બાદ આવેશમાં આવી જઇને કંઇક એવું કર્યું હતું જેની કોઇ કલ્પના પણ ના કરી શકે. આ લિવ-ઇન કપલે તેમના રહેઠાણની ઇમારતના સાતમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.
હરિયાણાના બહાદુરગઢમાં એક લિવ-ઇન કપલનું કથિત રીતે એક બહુમાળી એપાર્ટમેન્ટના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરીને મૃત્યુ થયું હતું. આ શહેર રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીથી માત્ર 20 કિલોમીટર દૂર છે. આ કપલની ઓળખ 25 વર્ષીય ગર્વિત અને 22 વર્ષીય નંદિની તરીકે કરવામાં આવી છે.
બંને કન્ટેન્ટ સર્જકો હતા, તેઓ પોતાની ચેનલ ચલાવતા હતા અને યુટ્યુબ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ માટે શોર્ટ ફિલ્મો બનાવતા હતા. થોડા દિવસ પહેલા આ કપલ તેમની ટીમ સાથે દહેરાદૂનથી બહાદુરગઢ રહેવા ગયા હતા. તેઓએ રૂહેલા રેસિડેન્સીના સાતમા માળે એક ફ્લેટ ભાડે રાખ્યો હતો, જ્યાં તેઓ તેમના પાંચ સાથી સાથીઓ સાથે રહેતા હતા. તેઓ શૂટ કર્યા પછી મોડા ઘરે પરત ફર્યા હતા, અને તેમની વચ્ચે કોઈ અજ્ઞાત મુદ્દાને લઈને દલીલ થઈ હતી. દલીલ બાદ આજે સવારે 6 વાગ્યાની આસપાસ કપલે આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. કપલે આટલું કડક પગલું કેમ ભર્યું તે અંગે તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટના ક્રમને સમજવા માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.