હરિયાણામાં ગૌ રક્ષકો બેફામ, 12માં ધોરણના વિદ્યાર્થી આર્યન મિશ્રાનો ભોગ લીધો
ફરીદાબાદ: હરિયાણામાં ગૌરક્ષકો(cow vigilantes)એ ફરી એક નિર્દોષનો ભોગ લીધો છે. હરિયાણાના ફરીદાબાદ(Faridabad of Haryana)માં ગૌરક્ષકોએ એક ધોરણ 12ના વિદ્યાર્થી આર્યન મિશ્રાને ગૌવંશની તસ્કરી કરનાર સમજીને તેની હત્યા કરી નાખી, દિલ્હી-આગરા નેશનલ હાઈવે પર ગદપુરીના પાસના વિદ્યાર્થીની હત્યા કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ હુમલો 23 ઓગસ્ટના રોજ થયો હતો.
આરોપીઓની ઓળખ અનિલ કૌશિક, વરુણ, કૃષ્ણા, સૌરવ અને આદેશ તરીકે થઈ છે. બધા પોતાને ગૌ રક્ષક ગણાવે છે. આર્યનને ગૌવંશની તસ્કરી કરનાર શખ્સ સમજીને, આરોપીઓએ હાઇવે પર લગભગ 20 કિલોમીટર સુધી કારમાં બેઠેલા આર્યન અને તેના મકાનમાલિકનો પીછો કર્યો અને તેમને ગોળી મારી દીધી.
માહિતી અનુસાર, પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે 23 ઓગસ્ટની રાત્રે આરોપી ગૌ રક્ષકોને એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે ડસ્ટર અને ફોર્ચ્યુનર કાલ આ વિસ્તારમાં ફરી રહી છે. શંકાને કારણે ગૌ રક્ષકોએ કારનો પીછો શરૂ કર્યો. હાઈવેના ગઢપુરી ટોલ પર, આરોપીઓએ કારને રોકવા પાછળથી ફાયરિંગ કર્યું, જેનાથી કારનો પાછળનો કાચ તૂટી ગયો અને ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા આર્યન મિશ્રાના ગળામાં ગોળી વાગી.
આ પછી કાર ચાલક હર્ષિતે કાર રોકી હતી. ત્યારબાદ આરોપીએ બીજી ગોળી આર્યનની છાતી મારી. આ પછી, આરોપીએ જોયું કે કારમાં છોકરાઓ સાથે બે મહિલાઓ હતી, તો આરોપીઓ સમજી ગયા કે ગેરસમજને કારણે તેમણે કોઈ અન્યને ગોળી મારી દીધી છે, ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયા. ઘટનાના બીજા દિવસે 24 ઓગસ્ટે આર્યનનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ મામલે મૃતક આર્યનના પિતાએ પોલીસને લેખિત ફરિયાદ નોંધાવી છે. મામલાની ગંભીરતા જોઈને ક્રાઈમ બ્રાન્ચે મામલાની તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે જ્યારે સીસીટીવીની તપાસ કરી તો આરોપીઓ મળી આવ્યા, ત્યારબાદ આરોપીઓને તેમના ઘરેથી પકડવામાં આવ્યા, પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
19 વર્ષીય આર્યન મિશ્રા 12મા ધોરણનો વિદ્યાર્થી હતો. તે તેના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. 23 ઓગસ્ટના રોજ રાત્રે લગભગ 9:30 વાગ્યે આર્યન તેના મકાનમાલિક શ્વેતા ગુલાટી, તેના પુત્રો હર્ષિત, શૈંકી અને પાડોશી મહિલા સાથે બડખાલ મેટ્રો પાસેના મોલમાં ડસ્ટર કાર લઈને નાસ્તો કરવા ગયો હતો. ત્યાંથી તે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી.
પોલીસે જણાવ્યું હતું કે હર્ષિત અને શૈંકીનો તાજેતરમાં એક શખ્સ સાથે ઝઘડો થયો હતો. શૈંકી વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. કારમાં આવેલા આરોપીઓએ તેમને રોકવા માટે ઇસારો કર્યો, ત્યારે ડસ્ટરના રહેલા હર્ષિતને લાગ્યું કે આ એ જ શખ્સો છે જેની સાથે ઝઘડો થયો હતો, જેના કારણે તેને કાર ભગાવી મૂકી.
ગૌરક્ષકોને લાગ્યું કે ડસ્ટર કારમાં ઢોરની તસ્કરી કરતા લોકો જ છે, તેઓ કારની પીછો કરવા લાગ્યા. હર્ષિતે લગભગ 25 કિલોમીટર સુધી કાર ચલાવી અને પલવલ ટોલ પ્લાઝા પરનો બેરિઅર તોડી નાખ્યો. ત્યારપછી આરોપીએ ડસ્ટર કાર પર ગોળીબાર કર્યો અને એક ગોળી પાછળથી આર્યનના ગળામાં વાગી.
નોંધનીય છે કે, હજુ એક દિવસ પહેલા જ હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં ગૌમાંસ ખાવાની શંકામાં એક પરપ્રાંતિય કામદારને ગૌ રક્ષકોએ માર મારી હત્યા કરી હતી. પોલીસે હત્યાના ગુનામાં સાત લોકોની ધરપકડ કરી હતી.