હરિયાણામાં ડાંગરની પ્રાપ્તિ પ્રક્રિયાનો વહેલાસર આરંભ

કુરુક્ષેત્રઃ હરિયાણામાં ડાંગરની પ્રાપ્તિ પ્રક્રિયાનો આરંભ પહેલી ઑક્ટોબરથી શરૂ થનાર હતો, પરંતુ ખેડૂતોના હિતને ધ્યાનમાં લેતા ગત તા. 22 સપ્ટેમ્બરનાં રોજ હરિયાણાનાં મુખ્ય પ્રધાન નાયબ સિંઘ સેઈનીએ લાડવા ગે્રઈન માર્કેટથી પ્રાપ્તિ પ્રક્રિયાનો શુભારંભ કર્યો હતો.
મંડીમાં પ્રાપ્તિ પ્રક્રિયાની સુવિધાઓની સમીક્ષા પશ્ચાત્ તેમણે પ્રસાર માધ્યમોને જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો પાસેથી ડાંગરનું તમામ ધાન મંડીમાંથી લઘુતમ ટેકના ભાવથી પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે તેમ જ પ્રાપ્તિ પેટેની ચુકવણી ખેડૂતોને તેમના ખાતામાં સમયસર થશે.
આ પણ વાંચો: અત્યાર સુધીમાં ડાંગરનો વાવેતર વિસ્તાર વધીને 438.28 લાખ હેક્ટર
આ પ્રાપ્તિ પ્રસંગે ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટે મુખ્ય પ્રધાનની હાજરીમાં અંદાજે 100 ક્વિન્ટલ પીઆર વેરાઈટીની ડાંગરની ખરીદી અમિત કુમાર અને ચરણસિંઘ પાસેથી કરી હતી.
મુખ્ય પ્રધાન સેઈનીએ જણાવ્યું હતું કે ખેડૂતોએ પ્રાપ્તિ પ્રક્રિયા વહેલાસર શરૂ કરવાનો અનુરોધ કર્યો હોવાથી ખેડૂતોના હિતને ધ્યાનમાં લેતા નિર્ધારિત સમય કરતાં પહેલા પ્રાપ્તિ શરૂ કરવામાં આવી છે. વધુમાં તેમણે મંડીની મુલાકાત દરમિયાન ખેડૂતો, ટ્રેડરો અને શ્રમિકો સાથે પણ વાતચીત કરતા જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ જીએસટીનાં દરમાં કરવામાં આવેલા સુધારાનો લાભ દેશની જનતા ઉપરાંત ટ્રેડરોને પણ થશે.