નેશનલ

હરિયાણામાં સાવિત્રી જિંદાલ સહિત ૩ અપક્ષ ઉમેદવાર જીત્યા, કોણે કોને કેટલા માર્જિનથી હરાવ્યા?

હરિયાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ ના પરિણામો હવે આવવા લાગ્યા છે. આ વખતે રાજ્યમાં ત્રણ અપક્ષ ઉમેદવારો જીત્યા છે. આમાંથી બે ઉમેદવારો સાવિત્રી જિંદાલ અને દેવેન્દ્ર કાદિયાન ભાજપના બળવાખોર છે તેમ જ રાજેશ જુન પણ કોંગ્રેસ છોડીને અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. જોકે, સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટીને છોડીને અપક્ષની ઉમેદવારી પરથી ચૂંટણી જીતીને દેવેન્દ્ર કાદિયાએ અપસેટ સર્જ્યો હતો.

ગન્નોરની સીટ પરથી અપક્ષ ઉમેદવારનો વિજય
હરિયાણાની ગન્નૌર એસેમ્બલી સીટ એવી પહેલી સીટ બની જ્યાં એક અપક્ષ ઉમેદવાર જીત્યો. દેવેન્દ્ર કાદિયાન અહીંથી જંગી માર્જિનથી જીત્યા છે. દેવેન્દ્ર કાદિયાને ભાજપ છોડીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને આ બેઠક પરથી તેમણે કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ શર્માને ૩૫ હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.

દેવેન્દ્ર કાદિયાને કુલ ૭૭,૨૪૮ વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસના કુલદીપ શર્માને કુલ ૪૨૦૩૯ વોટ મળ્યા છે. આ સિવાય ભાજપના દેવેન્દ્ર કૌશિકને ૧૭,૬૦૫ વોટ મળ્યા હતા. ગન્નૌરથી બસપાના ઉમેદવાર નરસિંહને માત્ર ૬૮૬ વોટ મળ્યા અને જેજેપીના અનિલ કુમાર ત્યાગીને માત્ર ૩૪૩ વોટ મળ્યા. ૧૦ સપ્ટેમ્બરે જ દેવેન્દ્ર કાદિયાને એક વીડિયો જાહેર કર્યો હતો અને ખૂબ જ ભાવુક રીતે ભાજપને અલવિદા કહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમને ગન્નૌર બેઠક પરથી ટિકિટ જોઈએ છે, પરંતુ ભાજપે તેમને ટિકિટ આપી નથી. આનાથી નારાજ થઈને તેમણે પાર્ટી છોડી દીધી. હવે તે આ જ સીટ પરથી જીત્યા છે.

આ પણ વાંચો : Vinesh Phogat પર બ્રિજભૂષણ સિંહનો મોટો પ્રહાર, કહ્યું ખલનાયક , કોંગ્રેસ પક્ષનો સત્યનાશ કર્યો

સાવિત્રી જિંદાલ 18,000 મતથી વિજેતા, ભાજપના ઉમેદવારને હરાવ્યા
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ નવીન જિંદાલની માતા સાવિત્રી જિંદાલ, જે હરિયાણાની હિસાર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર હતા, તેઓ ૧૮ હજારથી વધુ મતોના માર્જિનથી જીત્યા છે . હિસાર સીટ પરથી સાવિત્રી જિંદાલને કુલ ૪૯,૨૩૧ વોટ મળ્યા. જ્યારે કોંગ્રેસના રામ નિવાસ રારાને ૩૦,૨૯૦ મત મળ્યા હતા.

આ સિવાય ભાજપના ડો. કમલ ગુપ્તાને ૧૭,૩૮૫ વોટ મળ્યા હતા. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય સત્રોડિયાને માત્ર ૨૦૦૧ મત મળ્યા છે. તે જ સમયે, દુષ્યંત ચૌટાલાના જેજેપી ઉમેદવારને માત્ર ૪૩૯ મત મળતા દસમા સ્થાને રહ્યા.

સાવિત્રી જિંદાલ પહેલેથી જ ભાજપ પાસેથી હિસાર વિધાનસભાની ટિકિટ માંગી રહ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ ન આપી તેથી, સાવિત્રી જિંદાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને ભાજપના ઉમેદવારને હરાવ્યા. અપક્ષ ધારાસભ્ય રાજેશ જૂન હરિયાણાની બહાદુરગઢ સીટ પર ૪૧ હજારથી વધુ મતોના અંતરથી જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર દિનેશ કૌશિકને હરાવ્યા હતા.

બહાદુરગઢ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રાજીન્દર સિંહ જૂનને ૨૮,૭૩૫ વોટ મળ્યા છે. જ્યારે આઇએનએલડી ઉમેદવાર શિલી સિંહ રાઠીને ૧૭,૪૭૫ વોટ મળ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ સિંહને માત્ર ૯૫૯ વોટ મળ્યા છે.

રાજેશ જૂને પણ આ જ બેઠક પરથી કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી, પરંતુ પાર્ટીએ ના પાડી દીધી હતી. આ પછી રાજેશ જુને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button