Haryana માં 15 ઓકટોબરે સૈની સરકારનો શપથ ગ્રહણ સમારોહ, પીએમ મોદી સહિત અન્ય રાજ્યોના સીએમ રહેશે હાજર…
ચંદીગઢ: હરિયાણા(Haryana)સરકારનો શપથ ગ્રહણ સમારોહ 15 ઓકટોબરના રોજ યોજાશે. મીડિયા અહેવાલ મુજબ આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન પંચકુલા સેક્ટર 5ના પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ તેમા સામેલ થશે.
આ પણ વાંચો : Haryana ના ચૂંટણી પરિણામોથી નારાજ કોંગ્રેસ નેતાઓ ચૂંટણી પંચને મળ્યા, કરી VVPAT તપાસની માંગ
ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે
આ શપથ ગ્રહણ સમારોહ માટે પરેડ ગ્રાઉન્ડમાં એક લાખ લોકોની બેઠક ક્ષમતાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે. આ ઉપરાંત દેશના ઉદ્યોગપતિઓ અને મોટી હસ્તીઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.
આ નેતાઓ મંત્રી બની શકે છે
સીએમ નાયબ સિંહ સૈની સિવાય 12 નેતાઓ 15 ઓક્ટોબરે મંત્રી તરીકે શપથ લઈ શકે છે. હરિયાણાની નવી નાયબ સિંહ સૈની સરકારમાં અનિલ વિજ, કૃષ્ણા બેદી, કૃષ્ણલાલ પંવાર, અરવિંદ શર્મા, કૃષ્ણા મિડ્ડા , મહિપાલ ઢાંડા, મૂલચંદ શર્મા, લક્ષ્મણ યાદવ, રાવ નરબીર, સુનીલ સાંગવાન, બિપુલ ગોયલ અને તેજપાલ તંવરને મંત્રી બનાવવામાં આવી શકે છે.
નાયબ સિંહ સૈની પીએમ મોદી અને ભાજપના નેતાઓને મળ્યા હતા
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત બાદ નવી સરકારના વડા તરીકે નાયબ સિંહ સૈની બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. જ્યારે ભાજપે ચૂંટણી દરમિયાન સંકેત આપ્યો હતો કે નાયબ સિંહ સૈની જ મુખ્યમંત્રી બનશે.
આ પણ વાંચો : Haryana Electionsમાં જીત બાદ ભાજપે રાહુલ ગાંધીને એક કિલો જલેબી મોકલી! જાણો શું છે મામલો
ચૂંટણીમાં ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો મેળવીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જે કોંગ્રેસની બેઠકોની સંખ્યા કરતા 11 વધુ છે. કોંગ્રેસને 37 બેઠકો મળી છે. આ સિવાય આ ચૂંટણીમાં JJP અને AAPનો સફાયો થયો હતો અને INLD માત્ર બે બેઠકો જીતવામાં સફળ રહી હતી.