
નવી દિલ્હી : હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. જેની બાદ હવે એક્ઝિટ પોલના(Exit Poll 2024) આંકડા પણ જાહેર થવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. જ્યારે ભાજપ સત્તામાંથી બહાર ફેંકાઇ જશે. રિપબ્લિક વર્લ્ડની મેટ્રિસ સીટના આંકડા મુજબ કોંગ્રેસ પાર્ટી હરિયાણામાં 50થી વધુ સીટો જીતીને બહુમતીની સરકાર બનાવી શકે છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 90 બેઠકો છે.
ભાજપ માત્ર 18 થી 24 બેઠકો સુધી જ સીમિત
રિપબ્લિક વર્લ્ડના મેટ્રિસ સીટના અંદાજ મુજબ કોંગ્રેસને રાજ્યમાં 55 થી 62 સીટો મળી શકે છે. સાથે જ સત્તાધારી ભાજપ માત્ર 18 થી 24 બેઠકો સુધી જ સીમિત રહેશે. આ સિવાય INLD એટલે કે ઇન્ડિયન નેશનલ લોકદળને 3 થી 6 સીટો મળી શકે છે. જ્યારે અન્યોને 2 થી 5 બેઠકો મળવાનો અંદાજ છે.
જ્યારે દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 44- 64, ભાજપને 19- 29 , જેજેપીને 1 , INLD ને 1-5, જ્યારે અન્યને 1 -4 બેઠક મળી શકે છે. ધ્રુવ રિસર્ચના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 57- 64, ભાજપને 27- 32 , જેજેપીને 0 , INLDને 0, જ્યારે અન્યને 5-8 બેઠક મળી શકે છે. પીપલ્સ પ્લસના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 55 ભાજપને 26, જેજેપીને 1,INLDને 2-3, જ્યારે અન્યને 3-5 બેઠક મળી શકે છે.
આ પણ વાંચો : Haryana Election 2024 : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ 65 ટકા મતદાન નોંધાયું, 8 ઓકટોબરના રોજ પરિણામ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 માં યોજાયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 40 બેઠકો જીતી હતી અને બહુમતીથી 5 બેઠકો ઓછી પડી હતી. ત્યારબાદ પાર્ટીએ દુષ્યંત ચૌટાલાના નેતૃત્વમાં જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન સરકાર બનાવી. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને 31 બેઠકો મળી હતી.
હરિયાણા વિધાનસભા ચૂંટણી
હરિયાણાની 90 બેઠકો પર શનિવારે સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. રાજ્યમાં અંદાજિત 65 ટકા મતદાન થયું છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.