હરિયાણાના પૂર્વ સીએમની મુશ્કેલી વધીઃ ઈડીએ 834 કરોડની સંપત્તિ કરી જપ્ત
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ઈડીએ હુડા, એમાર અને એમજીએફ ડેવલપમેન્ટ લિમિટેડ સહિત અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગ કેસમાં રૂ. ૮૩૪ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે આ પ્રોપર્ટી ગુરુગ્રામ અને દિલ્હીના ૨૦ ગામોમાં છે.
આરોપ છે કે એમાર- એમજીએફ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ડીટીસીપીના ડાયરેક્ટર ત્રિલોક ચંદ ગુપ્તા સાથે મળીને આ વિસ્તારોમાં સસ્તા ભાવે જમીન હડપ કરી હતી. જેના કારણે જેમની જમીનો પચાવી પાડવામાં આવી હતી તે લોકોને જ નહીં પરંતુ સરકારને પણ નુકસાન થયું હતું.
આની સામે પગલાં લેતા ઇડીએ એમાર ઇન્ડિયા લિમિટેડની રૂ. ૫૦૧.૧૩ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તે જ સમયે રૂ. ૩૩૨.૬૯ કરોડની કિંમતની ૪૦૧.૬૫૪૭૯ એકરમાં ફેલાયેલી મેસર્સ એમજીએફ ડેવલપમેન્ટ લિમિટેડની સ્થાવર મિલકતો એટેચ કરવામાં આવી છે.
આ પણ વાંચો : વિનેશ ફોગાટ હરિયાણાની ચૂંટણીમાં ઝંપલાવશે? કુસ્તીબાજે પોતે જ સંકેત આપી દીધો
ઉપરાંત, ગુરુગ્રામના સેક્ટર ૬૫ અને ૬૬ માં રહેણાંક પ્લોટવાળી વસાહતો માટે ડીટીસીપી દ્વારા મંજૂર કરાયેલા લાયસન્સને ધ્યાનમાં રાખીને એમાર ઈન્ડિયા લિમિટેડ અને એમજીએફ ડેવલપમેન્ટ્સ લિમિટેડ બંનેની મની લોન્ડરિંગ માટે તપાસ કરવામાં આવી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે આ કેસની તપાસ કરી રહી છે. વર્ષ ૨૦૦૯માં, હરિયાણા સરકારે ગુરુગ્રામના સેક્ટર ૫૮ થી ૬૩, સેક્ટર ૬૫-૬૭માં ૧૪૧૭.૦૭એકર જમીન પર જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ ની કલમ ૪ હેઠળ નોટિફિકેશન બહાર પાડ્યું હતું