Haryana Elections Results: જાણો .. હરિયાણાની નવ વીઆઇપી બેઠકના વલણ અને પરિણામ…
ચંદીગઢ : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો(Haryana Elections Results) આવી રહ્યા છે. હરિયાણા ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પાર્ટી હરિયાણામાં જીતી રહી હોવાનું દર્શાવ્યું હતું પરંતુ વાસ્તવિક વલણો અને પરિણામોમાં ભાજપની જીત થઈ હતી. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણામાં ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીને એક પણ સીટ નથી મળી જ્યારે આઈએનએલડીને બે સીટ મળી રહી છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ, INLD,આમ આદમી પાર્ટી (AAP),JJP,BSP,આઝાદ સમાજ પાર્ટી (ASP)પણ ચૂંટણી લડી રહી છે. જેજેપી અને આઝાદ સમાજ પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી.
આ પણ વાંચો : રાજકારણના અખાડામાં વિનેશ ફોગાટની જીત: ભાજપના ઉમેદવારને હરાવ્યા
ભાજપ હેટ્રિક સાથે રાજ્યમાં સરકાર બનાવશે
ભાજપ સતત ત્રીજી વાર રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે. રાજ્યમાં ત્રીજી વખત કોઈ પાર્ટી સરકાર બનાવી રહી છે તે ઐતિહાસિક છે. જ્યારે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીએ જાટ અને દલિત મતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યારે ભાજપે બિન-જાટ મતો સાથે ઓબીસી, પંજાબીઓ અને બ્રાહ્મણોના મતો મેળવવાનો પ્રયાસ કર્યો. આ જ કારણ હતું કે ચૂંટણી પહેલા ભાજપે મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈનીને સીએમ બનાવ્યા હતા. સૈની ઓબીસી સમાજનું પ્રતિનિધીત્વ કરે છે.
રાજ્યની તમામની નજર 9 વીઆઇપી બેઠકો પર ટકેલી હતી.આ બેઠક પરના વલણ અને પરિણામ આ મુજબ રહ્યા છે.
9 વીઆઇપી બેઠકોના વલણ અને પરિણામ
- લાડવા બેઠક
સૌથી પહેલા વાત કરીએ લાડવા બેઠકની. રાજ્યના સીએમ નાયબ સિંહ સૈની આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. આ સીટ કુરુક્ષેત્ર લોકસભા સીટ હેઠળ આવે છે અને અહીંથી ભાજપને 47 ટકાથી વધુ વોટ મળ્યા છે. એવું માનવામાં આવતું હતું કે આ બેઠક ભાજપ માટે સલામત બેઠક છે. આ બેઠક પરથી સીએમ નાયબ સિંહ સૈની ચૂંટણી જીત્યા છે.
- જુલાના બેઠક
આ વખતે હરિયાણાની જુલાના સીટ પણ ચર્ચામાં રહી હતી. આ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીએ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને મેદાનમાં ઉતારી હતી અને તેણે ભાજપના ઉમેદવાર યોગેશ કુમારને 6015 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જુલાના જીંદ જિલ્લામાં આવે છે
- હિસાર બેઠક
આ વખતે તમામની નજર હિસાર બેઠકની ચૂંટણી પર ટકેલી હતી. સાવિત્રી જિંદાલ, જેઓ એક સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને ભાજપથી નારાજ થઈને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા, તેઓ ચૂંટણી જીત્યા છે. ભાજપ માટે આ એક ઝટકો છે. તેમની સામે ભાજપ તરફથી કમલ ગુપ્તા હતા જે ગત ચૂંટણી જીત્યા હતા. ગુપ્તા રાજ્ય સરકારમાં મંત્રી પણ હતા.
- અટેલી
આ પછી બીજી મહત્વની બેઠક જેની ચર્ચા થઈ શકે છે તે છે અટેલી. આ સીટ અહિરવાલ બેલ્ટમાં આવે છે. અહીંયા 50-60 ટકા વસ્તી યાદવોની છે. આરતી રાવ સિંહ આ સીટ પર ભાજપ તરફથી ઉમેદવાર હતા. આરતી ગુરુગ્રામના સાંસદ રાવ ઈન્દ્રજીત સિંહની પુત્રી છે અને પહેલીવાર ચૂંટણી લડી રહી હતી. આ સીટ પર અત્યાર સુધીના વલણો અને પરિણામો દર્શાવે છે કે અહીં આરતી અને બસપાના ઉમેદવાર અત્તર લાલ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. - મુલાના બેઠક
હરિયાણાની મુલાના સીટ પરની ચૂંટણી પણ રસપ્રદ રહી છે. અહીં કોંગ્રેસ પાર્ટી તરફથી 38 વર્ષીય પૂજા ચૌધરી ભાજપના 68 વર્ષીય સંતોષ ચૌહાણ સરવન સામે ચૂંટણી મેદાનમાં હતી. અટેલીની જેમ આ બેઠક પર પણ બે મુખ્ય ઉમેદવારો મહિલા હતા. કોંગ્રેસ પક્ષની પૂજા અહીં આગળ ચાલી રહી છે. ગત ચૂંટણીમાં સંતોષ જીત્યા હતા. પૂજા કોંગ્રેસના સાંસદ વરુણ ચૌધરીની પત્ની છે.
- અંબાલા કેન્ટ બેઠક
અંબાલા કેન્ટની આ બેઠક ભાજપના અનિલ વિજ માટે મહત્વની હોવાનું કહેવાય છે. શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજ પાછળ રહ્યા હતા પરંતુ બાદમાં તેમણે ટ્રેન્ડમાં મોખરાનું સ્થાન લીધું હતું. અનિલ વિજ પાર્ટીના મજબૂત નેતા છે અને તેમણે ખુદને સીએમ પદના ઉમેદવાર તરીકે પાર્ટી સમક્ષ રજૂ કર્યા છે. અપક્ષ ઉમેદવાર ચિત્રા સરવરાએ વિજ સામે પડકાર બન્યા હતા.
- રાનિયા બેઠક
સિરસા જિલ્લાની રાનિયા બેઠક પરથી ઇનોલોના અર્જુન ચૌટાલા આગળ ચાલી રહ્યા છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના તમામ સહયોગીઓ કરતા આગળ છે. રણજીત ચૌટાલાએ આ સીટ પર ભાજપ તરફથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તે અર્જુનના દાદા પણ છે. આ બેઠક પર દાદા અને પૌત્ર વચ્ચે લડાઈ હતી. રાનિયા હરિયાણા રાજ્યના સિરસા જિલ્લામાં આવે છે.
08 . ડબવાલી બેઠક
હરિયાણાની ચૂંટણીમાં ડબવાલી સીટ પણ ચર્ચામાં છે. આ બેઠક પર દેવીલાલ પરિવારના વંશજો ચૂંટણી લડી હતી. જેજેપી તરફથી દિગ્વિજય ચૌટાલા અને કોંગ્રેસ તરફથી અમિત સિહાગ (બંને દેવીલાલના વંશજો) ચૂંટણી મેદાનમાં હતા પરંતુ અહીં INLDના આદિત્ય દેવીલાલનો વિજય થયો છે.
- તોશામ બેઠક
હરિયાણાની ચૂંટણીમાં તોશામ વિધાનસભા બેઠક ઘણી મહત્વની હતી. આ બેઠક પર બંસીલાલ પરિવારના બે અગ્રણી સભ્યો સામસામે હતા. બંસી લાલની પૌત્રી અને પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરી ભાજપના ઉમેદવાર છે જેઓ આગળ છે. તે બંસીલાલના રાજકીય વારસાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે તેમની સામે તેમના પરિવારના અન્ય સભ્યને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે બંસીલાલના પૌત્ર અને રણબીર મહેન્દ્રના પુત્ર અનિરુદ્ધ ચૌધરીને ટિકિટ આપી હતી. અનિરુદ્ધ બપોર સુધી ગણતરીમાં પાછળ રહ્યો હતો.