બહાદુરગઢઃ હરિયાણાના બહાદુરગઢમાં ઈન્ડિયન નેશનલ લોકદળ (Indian National Lok Dal)ના પ્રદેશ અધ્યક્ષ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નફેસિંહ રાઠી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં તેમનું મોત નિપજ્યું છે. તેઓ પોતાની કારમાં બેઠા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર ગોળીઓ વરસાવી હતી. જખમીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ભૂતપૂર્વ વિધાનસભ્ય નફે સિંહ પોતાની ફોર્ચ્યુનર કારમાં હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે તેમના પર ઓછામાં ઓછા 40-50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી.
ઈન્ડિયન નેશનલ લોકદળના એક નેતાએ એવી માહિતી આપી હતી કે નફે સિંહ રાઠીને છેલ્લા કેટલાક સમયથી સતત હત્યાની ધમકીઓ મળી રહી હતી, આમ છતાં તેમને સુરક્ષા આપવામાં આવી નહોતી. તેમણે એમ પણ કહ્યું હતું કે નફે સિંહ પર આ પહેલાં પણ નાના-મોટા હુમલા થઈ ચૂક્યા હતા.
નફે સિંહ પોતાની ફોર્ચુનરમાં જઈ રહ્યા હતા ત્યારે આઈ-10માં કેટલાક હુમલાખોરો તેમનો પીછો કરી રહ્યા હતા. જ્યારે નફે સિંહની કાર બરાહી ફાટક પાસે પહોંચી ત્યારે આ હુમલાખોરોએ તેમના પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. કહેવાઈ રહ્યું છે કે હુમલાખોરોએ 40-50 રાઉન્ડ ફાયરિંગ કરી હતી. અત્યારે હાથ આવી રહેલી તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે કારનો કાચ તૂટી ગયો છે અને કાર પર ઘણી ગોળીનાં નિશાન છે.
કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે
કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિંદર િસંહ હુડ્ડાએ નફે સિંહની હત્યા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેમની હત્યાના સમાચાર અત્યંત ખેદજનક છે. આ રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દર્શાવી રહી છે. આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. રાજ્યમાં અત્યારે કોઈપણ પોતાની જાતને સુરક્ષિત માનતું નથી. દિવંગત આત્માને મારી શ્રદ્ધાંજલિ.