Divya Pahuja Murder: હત્યાના 11 દિવસ બાદ દિવ્યા પહુજાનો મૃતદેહ મળ્યો
ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામના ચકચારી દિવ્યા પહુજા મર્ડર કેસની તપાસમાં પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે. પોલીસે મોડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ મળી ગયો છે. દિવ્યા પાહુજાનો મૃતદેહ હરિયાણાની ટોહાના કેનાલમાંથી મળી આવ્યો હતો. ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની છ ટીમો મૃતદેહને શોધવામાં વ્યસ્ત હતી. હત્યાના 11 દિવસ બાદ પોલીસને મૃતદેહ શોધવામાં સફળતા મળી છે.
મૃતદેહની શોધ માટે NDRFની 25 સભ્યોની ટીમ પટિયાલા પહોંચી હતી. NDRFની ટીમ ગુરુગ્રામ અને પંજાબ પોલીસ સાથે મળીને પટિયાલાથી ખનૌરી બોર્ડર સુધીની નહેરમાં લાશની શોધ કરી રહી હતી. પરંતુ દિવ્યા પાહુજાનો મૃતદેહ હરિયાણાની ટોહાના કેનાલમાંથી મળી આવ્યો હતો. કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે દિવ્યાના પરિવારજનોને તેનો ફોટો મોકલ્યો હતો, જેને જોઈને તેઓએ લાશની ઓળખ કરી હતી.
ગત 2જી જાન્યુઆરીના રોજ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલના રૂમ નંબર 111માં દિવ્યાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને હોટલ માલિક અભિજીત સિંહે અંજામ આપ્યો હતો. આ કેસમાં પશ્ચિમ બંગાળમાંથી પકડાયેલા બલરાજ નામના આરોપીની પૂછપરછ કર્યા બાદ હરિયાણા પોલીસને દિવ્યા પહુજાનો મૃતદેહ રિકવર કરવામાં સફળતા મળી હતી. બલરાજે પોતે જ પોલીસને જણાવ્યું હતું કે તેણે દિવ્યાની લાશને હરિયાણાની ટોહાના કેનાલમાં ફેંકી દીધી હતી.
દિવ્યા પહુજા હત્યા કેસના મુખ્ય આરોપી અભિજીત સિંહે મૃતદેહનો નિકાલ કરવાનું કામ હોટેલના કર્મચારી બલરાજ ગિલને સોંપ્યું હતું. બલરાજ દેશ છોડીને બેંગકોક ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. તેની અને અન્ય આરોપી રવિ બંગાની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
બલરાજ ગીલે દિવ્યાના મૃતદેહને તેના બોસ અભિજીતની BMW કારના ટ્રંકમાં મુકી નહેરમાં ફેંકી દીધો હતો. આ કામમાં રવિ બંગા તેનો સાથ આપ્યો હતો. આ કામ માટે અભિજીતે તેને 10 લાખ રૂપિયા પણ આપ્યા હતા. 27 વર્ષીય મોડલ દિવ્યા કથિત રીતે હોટલના માલિક અભિજિતને ‘અશ્લીલ ફોટો’ બાબતે બ્લેકમેલ કરીને પૈસા પડાવી રહી હતી, જેના કારણે અભિજીતે તેની હત્યા કરી હતી.