ચંડીગઢઃ હરિયાણાના મહેન્દ્રગઢમાં ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાના કનિના દાદરી રોડ પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક ખાનગી શાળાની બસ કાબુ બહાર જઈને પલટી ગઈ હતી. પ્રાથમિક અહેવાલ મુજબ આ અકસ્માતમાં 8 બાળકોના મોત થયા છે. અન્ય બાળકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
આજે સવારે એક ખાનગી શાળાની બસે કાબુ ગુમાવ્યો હતો અને પલટી મારી ગઈ હતી. ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની બસમાં 35 થી 40 જેટલા બાળકો મુસાફરી કરી રહ્યા હતા.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકોને હોસ્પિટલ લઈ ગઈ હતી. પોલીસે ક્રેનની મદદથી બસને સીધી કરી હતી. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ઈદની સરકારી રજા હોવા છતાં આજે મહેન્દ્રગઢની જીએલ પબ્લિક સ્કૂલ ચાલુ હતી. બાળકો સ્કૂલ બસમાં શાળાએ જઈ રહ્યા હતા. બસ ઉન્હાણી ગામ પહોંચી કે તરત જ પલટી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, પ્રશાસન અને બાળકોના માતા-પિતા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ ઘાયલ બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે સારવાર પ્રાથમિકતા છે અને ત્યાર બાદ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.
VIDEO | Several children were injured when a school bus carrying them overturned in Haryana's #Narnaul earlier today. More details are awaited.
— Press Trust of India (@PTI_News) April 11, 2024
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/mkaLfTAgpd
આ અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં બાળકો લોહીથી લથબથ હાલતમાં રસ્તા પર પડેલા જોવા મળે છે. લોકો આ બાળકોને ઉપાડીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા જોવા મળે છે.