
ચંડીગઢ: લોકસભા ચૂંટણી(Loksabha Election) પહેલા કોંગ્રેસ પક્ષ માંથી એક પછી એક રાજીનામા પડી રહ્યા છે, એવામાં હરિયાણામાં ભાજપ(Haryana BJP)ને ઝટકો લાગ્યો છે. હિસાર મતવિસ્તારના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે(Brijendra Singh) ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અહેવાલો મુજબ હવે બ્રિજેન્દ્ર સિંહ અને તેમના પિતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન બિરેન્દ્ર સિંહ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાશે.
સાંસદ બ્રિજેન્દ્ર ચૌધરીએ સોશિયલ મીડિયાપ્લેટફોર્મ X પર લખ્યું, ‘મેં રાજકીય કારણોસર ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. મને હિસારથી સંસદ સભ્ય તરીકે સેવા આપવાની તક આપવા બદલ હું પાર્ટી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું.’
બિરેન્દ્ર સિંહ 2014માં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. આ પછી તેમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા અને કેન્દ્રીય પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં બ્રિજેન્દ્ર સિંહને ભાજપે હિસાર લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી અને જ્યાં તેમણે જીત મેળવી હતી.
બિરેન્દ્ર સિંહે જનનાયક જનતા પાર્ટી(JJP) સાથે ગઠબંધન છોડવાની વાત કરી હતી. જ્યારે ભાજપે આવું ન કર્યું તો બિરેન્દ્ર સિંહે ભાજપ છોડવાની જાહેરાત કરી. ભાજપે JJPને NDAમાં સામેલ કરી છે. જોકે હરિયાણામાં જેજેપી સાથેની સીટ શેરીંગ અંગે ભાજપે કોઈ જાહેરાત કરી નથી.
અહેવાલો મુજબ તેમને લોકસભાની ટિકિટ મળવી મુશ્કેલ હતી. 2019 માં, તેમણે જેજેપીના દુષ્યંત ચૌટાલાને હરાવ્યા હતા. જેજેપી હવે ભાજપ સાથે ગઠબંધનમાં છે અને કુલદીપ બિશ્નોઈ ભાજપમાં જોડાઈ ગયા છે. સ્વાભાવિક છે કે બ્રિજેન્દ્ર સિંહને ટિકિટ મળે એ નિશ્ચિત હતું. તેથી તેઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે.