ઇન્ટરનેશનલનેશનલ

સંસ્કૃતિનો ‘સમન્વય’: કુંભ પછી ગુજરાત સાથે 6 રાજ્યમાં બાંગ્લાદેશી કલાકારો કરશે પરફોર્મ

નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ હવે પૂર્ણતાની આરે છે. મહાશિવરાત્રીના દિવસે મહાકુંભનું સમાપન થશે. બાંગ્લાદેશનાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકાર ગત વર્ષે ઓગસ્ટમાં ગયા બાદ ત્યાં હિન્દુઓ પર અત્યાચાર વધ્યા હતા. જેને લઈ બંને દેશો વચ્ચેના સંબંધમાં ખટાશ આવી છે. આ ઘટનાક્રમ વચ્ચે હાલની બાંગ્લાદેશ ભારત સરકારની સાથે રાજકીય, સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધો સુધારવાના પ્રયાસ કરી રહી છે.

બાંગ્લાદેશના કાર્યકારી વડા પ્રધાન મોહમ્મદ યુનુસની સરકારે મહાકુંભમાં પ્રદર્શન કરવા માટે બાંગ્લાદેશી કલાકારોના એક જૂથને આંશિક રીતે પ્રાયોજિત કર્યું હતું. શનિવારે સાંજે કુંભ ખાતે 13,000 બેઠકવાળા કામચલાઉ કેન્દ્રીય સાંસ્કૃતિક કેન્દ્ર ગંગાપંડાલમાં 10મા ભારત આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત મહોત્સવના ઉદ્ઘાટન સત્રમાં બાંગ્લાદેશના છ સભ્યોના નૃત્ય મંડળે પર્ફોર્મ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઉત્તર પ્રદેશ સરકાર અને ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદ (ICCR) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશી કલાકારો ઘણા સમયથી આવતા નહોતા
ICCR વિદેશ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. બાંગ્લાદેશ ભારતમાં મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો જેવાકે આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળો 2025 અને ગયા વર્ષે ડિસેમ્બરમાં 30મો કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સામેલ થયું નહોતું. જોકે પહેલા બાંગ્લાદેશ આ કાર્યક્રમોમાં નિયમિતપણે ભાગ લેતું હતું. આ નૃત્ય મંડળી 10 દેશોનું પ્રતિનિધિત્વ કરતા વિદેશી કલાકારોના 107 સભ્યોના પ્રતિનિધિમંડળનો ભાગ હતી. તેનું નેતૃત્વ ઢાકા યુનિવર્સિટીના નૃત્ય વિભાગના સહાયક પ્રોફેસર રશેલ પ્રિયંકા પર્સિસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુકડીએ ગૌડીય નૃત્ય રજૂ કર્યું હતું. જે ધાર્મિક વાર્તાઓ, કવિતા અને સંગીત પર આધારિત વૈષ્ણવ નૃત્ય શૈલી છે.

છ રાજ્યોમાં પ્રદર્શન કરશે નૃત્ય મંડળી
22 અને 23 ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં બે દિવસીય પ્રદર્શન પછી, આ નૃત્ય મંડળી ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, બિહાર, આસામ અને મેઘાલયમાં પ્રદર્શન કરશે. આ મહિનાના અંતમાં દિલ્હીમાં તેનો અંતિમ શો યોજાશે.

આ પણ વાંચો…મહિલા દિવસ પર વડા પ્રધાન કરશે કંઈક અલગઃ મન કી બાતમાં કહ્યું

આટલા દેશોના કલાકારો ભાગ લઈ રહ્યા છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ ઉપરાંત, રશિયા, મોંગોલિયા, રવાન્ડા, કિર્ગિસ્તાન, માલદીવ, વિયેતનામ, મલેશિયા, દક્ષિણ આફ્રિકા અને ફિજિના કલાકારો પણ ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ ભારત અને ઘણા દેશો વચ્ચેના સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ કરારનો એક ભાગ હતો, જેનો ઉદ્દેશ્ય વિદેશમાં ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક કલાકારોને આંતરરાષ્ટ્રીય કલા અને સંસ્કૃતિનો પરિચય કરાવવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button