મતદાનની સાથે સાથેઃ હરિદ્વાર EVM પર હુમલો, મણિપુરમાં ફાયરિંગ

નવી દિલ્હીઃ દેશભરમાં 102 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. મતદાનની સાથે સાથે અમુક ઘટનાઓ પણ બહાર આવી રહી છે. જેમાં હરિદ્વારમાં એક વિચિત્ર ઘટના બની છે.
ઉત્તરાખંડની પાંચેય બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.
હરિદ્વાર વિધાનસભાના મતદાન કેન્દ્ર જ્વાલાપુર ઇન્ટર કૉલેજમાં, એક મતદાતાએ EVM મશીનનો વિરોધ કરી, મતદાન કેન્દ્ર પર રાખવામાં આવેલા મશીનને નીચે ફેંકી દીધું હોવાના અહેવાલો છે. મતદારે EVM મશીન સામે જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરી. હાલ પોલીસે મશીન તોડનાર મતદારને કસ્ટડીમાં લીધો છે.
મળતી માહિતી મુજબ, જ્વાલાપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મતદાર જ્વાલાપુર ઇન્ટર કોલેજ પોલિંગ સ્ટેશન સ્થિત બૂથ નંબર 126 પર મતદાન કરવા આવ્યા હતા. નંબર મેળવીને અંદર પહોંચતા જ તેણે ડેસ્ક પર રાખેલ ઈવીએમ મશીન ઉપાડીને જમીન પર પટકાવી દીધું. મશીન થોડી વાર માટે બંધ થયું હતું, જે પછીથી ફરી ચાલુ કરવામાં આવ્યું હતું. જેના કારણે બૂથ પરના મતદારોમાં ગભરાટ ફેલાઈ ગયો. બહાર તૈનાત પોલીસકર્મીઓ તરત જ મતદારને પકડીને રેલવે સ્ટેશન લઈ ગયા. જ્યાંથી પૂછપરછ કરવામાં આવી રહી છે.
મણિપુરમાં હથિયારબંધ લોકો મતદાન કેન્દ્રમાં ઘુસ્યા હતા અને હવામાં ફાયરિંગની ઘટના પણ બની હતી. તો બંગાળમાં હિંસા થઈ હતી. છત્તીસગઢના એક મતદાન કેન્દ્ર પર પણ વાતાવરણ તંગ બન્યું હોવાના અહેવાલો છે. તો ક્યાંક બે પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાના અહેવાલો પણ છે.
આ બધા વચ્ચે ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું હોવાના અહેવાલો છે.