Happy New Year: ભારતે આ રીતે કરી નવા વર્ષની શુભ શરૂઆત
નવી દિલ્હીઃ આજે વિશ્વ આખું નવા વર્ષને વધાવી રહ્યું છે ત્યારે ભારતે કંઈક અલગ જ રીતે નવા વર્ષને આવકાર્યું છે. આપણા દેશે ખગોળશાસ્ત્રના સૌથી મોટા રહસ્યો પૈકીના એક બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરવા માટે ઉપગ્રહ મોકલીને વર્ષની શરૂઆત કરી છે. સવારે 9.10 વાગ્યે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના પ્રથમ એક્સ-રે પોલેરીમીટર ઉપગ્રહ એટલે કે એક્સપોસેટ રોકેટ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) સી 58 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. તે માત્ર 21 મિનિટમાં અંતરિક્ષમાં 650 કિમીની ઉંચાઈ પર જશે. આ રોકેટનું આ 60મું મિશન હશે. આ મિશનમાં એક્સોસેટની સાથે અન્ય 10 ઉપગ્રહોને પણ પૃથ્વીની નીચી કક્ષામાં મૂકવામાં આવશે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ સહિત 11 ઉપગ્રહોને તેમની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યા છે. ISROનો પ્રથમ એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ (EXPOSAT) એક્સ-રે સ્ત્રોતના રહસ્યોને ઉઘાડવામાં અને બ્લેક હોલ્સની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. PSLV-C58 એ એક્સ-રે પોલેરિમીટર ઉપગ્રહને સફળતાપૂર્વક પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મૂક્યો.
ઈસરો (ISRO) એ કહ્યું કે આ ઉપગ્રહનો ઉદ્દેશ્ય દૂરના અવકાશમાંથી આવતા તીવ્ર એક્સ-રેના ધ્રુવીકરણને શોધવાનો છે. તેઓ કયા અવકાશી પદાર્થમાંથી આવે છે તે રહસ્ય આ કિરણો વિશે ઘણી માહિતી આપે છે. એક્સ-રે ધ્રુવીકરણ જાણવાનું મહત્વ સમગ્ર વિશ્વમાં વધ્યું છે. આ બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર્સ (વિસ્ફોટ પછી બાકી રહેલા તારાના ઉચ્ચ-દળના ભાગો), આકાશગંગાના કેન્દ્રમાં હાજર ન્યુક્લિયસ વગેરે જેવા પદાર્થો અથવા બંધારણોને સમજવામાં મદદ કરે છે. આ અવકાશી પદાર્થોના આકાર અને રેડિયેશન બનાવવાની પ્રક્રિયાને સમજવામાં મદદ કરશે, તેવી જાણકારી વૈજ્ઞાનિકોએ આપી હતી. વર્ષ 2023 ભારતીય વૈજ્ઞાનિકજગત માટે ખૂબ જ સફળ અને યાદગાર સાબિત થયું હતું ત્યારે આ વર્ષે પણ ભારત વિજ્ઞાનજગતમાં હરણફાળ ભરે તેવી સૌ દેશવાસીઓ આશા સેવી રહ્યા છે.