HAPPY DIWALI: કાશ્મીરથી લઈને દિલ્હીથી મુંબઈ સુધી, દેશમાં દિવાળીની ધૂમ ઉજવણી

નવી દિલ્હીઃ દેશભરમાં આજે દિવાળીની ધૂમ છે અને લોકો હર્ષોલ્લાસથી દીપોત્સવની ઉજવણી કરી રહ્યા છે. મંદિરોથી જાહેર-સરકારી કચેરીઓ પર રોશનીથી લાઈટિંગથી શહેરો ઝળહળી ઊઠ્યા હતા. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી દેશમાં દિવાળીના સેલિબ્રેશનથી સરહદી સીમા પર તણાવ ઓછો અને ખુશખુશીલી જોવા મળી હતી. કેન્દ્રીય પ્રધાન એલ મુરુગને પણ ચેન્નઈમાં દિવાળીનું સેલિબ્રેશન કર્યું હતું. કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે આજે દેશમાં લોકોએ ધૂમ ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી, જ્યારે તસવીરો પણ વાઈરલ થઈ હતી.

પાટનગર દિલ્હીથી લઈને મુંબઈ અને કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દેશના વિવિધ શહેરો દિવાળીની લાઈટિંગથી દીપી ઊઠ્યા હતા. મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મંત્રાલય, શિવાજી પાર્ક, મુંબઈ સ્ટોક એક્સચેન્જ સહિત મુંબઈના મરીન લાઈન્સ, નેકલેસ રોડ વગેરે વિસ્તારોની સરકારી ઈમારતો પણ લાઈટિંગથી દીપી ઊઠી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ આપી હતી. સમગ્ર દેશ આજે દિવાળીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ વર્ષની દિવાળી ખાસ છે. દીકરીઓ, યુવાનો અને ખેડૂતો માટે આ વર્ષમાં અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો હોવાનું જણાવ્યું હતું.

પાટનગર દિલ્હીમાં રાષ્ટ્રપતિભવનથી લઈને સંસદભવનની સાથે વિસ્તારોને શાનદાર લાઈટિંગથી સજાવવામાં આવ્યા હતા. સાઉથ એક્સટેન્શન, ખાન માર્કેટ અને લોદી રોડ સહિત અનેક વિસ્તારોમાં દિવાળીનું લોકોએ ઉમળકાભેર ઉજવણી કરી હતી. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે પણ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને દીપ પ્રગટાવીને સૌને શુભેચ્છાઓ આપી હતી, જ્યારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં મધુર મયી આદર્શ શિક્ષા નિકેતનમાં જેલના કેદીઓએ બાળકોની સાથે ફટાકડાં ફોડીને દિળાળીની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ સરહદના જવાનો સાથે ઉજવી દિવાળી
પંજાબના અમૃતસર મંદિરમાં પણ દિવાળી ઉત્સવની સાથે બંદી છોડ દિવસની પૂર્વસંધ્યાએ ગોલ્ડન ટેમ્પલ લાઈટિંગથી ઝળહળી ઊઠ્યું હતું. અહીંયા લાખોની સંખ્યામાં લોકોની ભક્તોની ભીડ જોવા મળી હતી, જ્યારે કર્ણાટકના રાજ્યોત્સવની પૂર્વ સંધ્યાએ રાજ્ય વિધાનસભાને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતેના લાલચૌકમાં પણ દિવાળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. અહીંના મંદિરમાં લોકોએ જયશ્રી રામ અને દિવાળીની શુભકામના આપી દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે શારદા પીઠ બજારને પણ સજાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Happy Diwali: પરિણીતીથી લઈ સોનાક્ષીએ દિવાળીની આગવી રીતે પાઠવી શુભેચ્છા
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં કાલી માતાની પૂજા ઉત્સવ દરમિયાન કાલીઘાત મહાકાલી માતાના મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું હતું, જ્યારે ઉત્તર 24 પરગણાના હાવડાના દક્ષિણેશ્વર મંદિર આદ્યપીઠ કાલી મંદિરમાં પણ દિવાળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ માટે પહોંચ્યા હતા.
હૈદરાબાદના ચારમિનાર ખાતેના શ્રીભાગ્યલક્ષ્મી મંદિરને અયોધ્યાના રામમંદિરની થીમના આધારે સજાવવામાં આવ્યું હતું. મંદિરોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મંદિરના પરિસરમાં રામમંદિરની પ્રતિકૃતિની સાથે પણ લોકોએ તસવીરો પણ ખેંચી હતી.