Happy Birthday: દેશનાં સૌથી મજબૂત આ મહિલા મુખ્ય પ્રધાન વડાં પ્રધાનપદના પણ છે દાવેદાર
ભારતીય રાજકારણમાં બહુ ઓછી મહિલા મુખ્ય પ્રધાન છે જેમણે પોતાના જોરે લાંબા સમય સુધી કોઈ રાજ્ય પર રાજ કર્યું હોય અને સાથે કેન્દ્રીય રાજનીતિમાં મહત્વનો ભાગ ભજવ્યો હોય. હાલમાં દેશનું એકમાત્ર રાજ્ય એવું છે જ્યાં મહિલા મુખ્ય પ્રધાન છે અને મુખ્ય પ્રધાન કેન્દ્ર સરકારને પણ પજવી શકે તેવાં છે તેમ જ આવનારી લોકસભાની ચૂંટણીમાં મહિલા વડાં પ્રધાન તરીકેની દાવેદાર પણ માનવામાં આવે છે. જી હા વાત છે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીની, જેને સૌ દીદીના નામે ઓળખે છે. બેનરજીનો આજે 69મો જન્મદિવસ છે. કોઈપણ જાતની રાજકીય પૃષ્ટભૂમિ ન ધરાવતા મમતા રાજકારણમાં જે રીતે સફળ થયા છે તે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાદાયી છે.
તેમનો જન્મ 5મી જાન્યુઆરી, 1955માં કોલકાત્તાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સ્વાતંત્ર્ય સેનાની પિતાની છત્રછાયા તેમણે 17 વર્ષની ઉંમરે જ ગુમાવી દીધી હતી. પિતાનું મૃત્યુ યોગ્ય સમયે સારવાર ન મળવાથી થયું હતું. ધર્મ અને કાયદાની ડિગ્રી ધરાવતાં મમતા 15 વર્ષની ઉંમરથી જ વિદ્યાર્થી નેતા બની ગયા હતા અને રાજનીતિમાં પ્રવેશી ચૂક્યા હતા. કૉંગ્રેસમાં તેઓ ધીમે ધીમે પોતાનું કદ વધારતા ગયા. જયપ્રકાશ નારાયણનો વિરોધ કરવા તેમની કાર ઊભી રખાવી તેની સામે તેમણે નૃત્ય કર્યું હતું અને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 1984માં તત્કાલીન દિગ્ગજ કમ્યુનિસ્ટ નેતા સોમનાથ ચેટરજીને હરાવી તેઓ જાધવપુર વિસ્તારના સાંસદ બન્યા હતા. 1991થી લઈ 2009 સુધી તેમણે દક્ષિણ કલકત્તાની બેઠક ક્યારેય ગુમાવી નથી. જોકે મૂળ સામ્યવાદી વિચારધારાનો વિરોધ કરનારી મમતાને જ્યારે લાગ્યું કે કૉંગ્રેસ તેમની સાથે નિકટતા વધારી રહી છે ત્યારે મમતાએ 1997માં કૉંગ્રેસ સાથે છેડો ફાડી પોતાની પાર્ટી તૃણમુલ કૉંગ્રેસની સ્થાપના કરી. જોકે 1998માં તેઓ એનડીએમા જોડાયા અને વાજપેયી સરકારમાં રેલવે પ્રધાન રહ્યા. આ સમયે તેઓ દેશમાં મહિલા રેલવે પ્રધાન તરીકે સારા એવા જાણીતા પણ થયા. જોકે વાજપેયી સરકાર સાથે તેમની ચકમક ચાલતી રહી. ત્યારબાદ ફરી 2009માં તેમણે કૉંગ્રેસ સાથે જોડાણ કર્યું.
હાલમાં તેઓ ઈન્ડિયા ગઠબંધનમાં પ્રમુખ ભૂમિકા ભજવે છે. જોકે પશ્ચિમ બંગાળમાં તેમની કાર્યશૈલી સામે ઘણાને વાંધો છે, પરંતુ ગત ચૂંટણીમાં તેમણે ભાજપને જબરી મ્હાત આપી પોતાનો ગઢ સાચવી રાખ્યો હતો. વર્ષ 2011થી તેમનો પક્ષ પશ્ચિમ બંગાળમાં શાસન કરે છે અને તેનો સૌથી વધારે શ્રેય મમતાને જાય છે. અપરિણિત એવા મમતા ભારતની અન્ય મહિલા રાજકારણીથી એટલા માટે અલગ છે કે તે પોતે કોઈ રાજકીય પરિવારમાંથી આવતા નથી. કોઈ સેલિબ્રિટી નથી કે કોઈ રાજકીય નેતાનો હાથ ઝાલીને આગળ આવ્યા હોય તેવું તેમના કિસ્સામાં બહાર આવ્યું નથી.
રાજકારણમાં આ રીતે એકલપંડે કોઈ મહિલાનું આગળ આવવું અને મુખ્ય પ્રધાન બનવું તેમ જ રાષ્ટ્રીય રાજનીતિમાં સિક્કો જમાવવો કેટલું અઘરું છે તે આ ક્ષેત્રના લોકો જ જાણે છે, પરંતુ બંગાળની આ સિંહણે તે કરી બતાવ્યું છે અને હાલમાં મહિલા વડા પ્રધાન પદના દાવેદાર પણ કહેવાય છે ત્યારે મમતાને તેમના જન્મદિવસે શુભેચ્છા.