નેશનલ

ઝારખંડમાં અધધધ ૮૧૦ કિલો ગાંજો જપ્ત, બે શખસની ધરપકડ

ડ્રગ રેકેટમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા

સરાઇકેલા: ઝારખંડના સરાઇકેલા-ખાર્સવાન જિલ્લામાં આઠ ક્વીન્ટલ(૮૧૦ કિલો) ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ મામલે બે શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મળેલી બાતમીના આધારે શુક્રવારે રાત્રે ઇચાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન-ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન એક ટ્રેલરને ઝડપી લેવાયું હતું. ટ્રેલર રોકવામાં આવતા તેમાં સવાર બે વ્યક્તિઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે પીછો કરતા ઝડપાઇ ગયા હતા. આ અંગે પોલીસ અધિક્ષક બિમલ કુમારે જણાવ્યું હતું કે, વાહનની તલાશી દરમિયાન ડ્રગ ભરેલી ૨૭ બોરીઓ મળી આવી હતી. બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને વાહન જપ્ત કરવામાં આવ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.

ઝડપાયેલ બોરીમાંથી કુલ ૮૧૦ કિલો ગાંજો મળી આવ્યો હતો. દરેક બોરીમાં ૩૦ કિલો ગાંજાનો સમાવેશ થાય છે. એસપીએ જણાવ્યું હતું કે, ગાંજાના મૂલ્યનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેમજ ધરપકડ કરાયેલા લોકોની ઓળખ વાહિદ ખાન અને કરણ ગુપ્તા તરીકે થઇ છે. ટ્રેલરની પાછળ એક એસયુવી આવી રહી હતી, જે ભાગી જવામાં સફળ રહી હતી. કુમારે કહ્યું કે, તપાસ ચાલી રહી છે અને આ રેકેટમાં વધુ લોકો સામેલ હોવાની આશંકા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button