હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી ટ્રીટમેન્ટ કરાવતા પહેલા આ વાંચી લેજોઃ કાનપુરમાં બે જણે જીવ ગુમાવ્યો

કાનપુરઃ વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા ઘણા લોકો આજકાલ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહ્યા છે. જોકે આ ટ્રીટમેન્ટની ક્યારેક આડઅસર પણ થાય છે. કાનપુરમાં હેર ટ્રાન્સપ્લાન્ટમાં ડૉક્ટરની બેદરકારીથી બે લોકોએ જીવ ગુમાવ્યો હતો.
પરિવારજનોના કહેવા મુજબ, બંને મામલામાં ટ્રાન્સપ્લાન્ટ સમયે દર્દીની તબિયત બગડી હતી. તેમને સતત દર્દ અને સોજાની ફરિયાદ રહેતી હતી. ડૉક્ટરે ગંભીરતાથી સારવાર કરી નહોતી. જેના કારણે બંનેના મૃત્યુ થયા હતા અને બંને જણા એન્જિનિયર હતા.
મૃતકની માતાએ જણાવ્યું, તેમના પુત્રએ 18 નવેમ્બર, 2024ના હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. સારવાર દરમિયાન તેને દુખાવાની દવા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. ઘરે પરત ફરતી વખતે તેને માથામાં દુખાવો થયો હતો અને તબિયત ખરાબ થવા લાગી હતી. ચહેરો સોજી ગયો હતો. તે સતત ડૉક્ટરને ફોન કરતો હતો પરંતુ ગભરાવાની જરૂર નથી તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. થોડીવારમાં તેની તબિયત વધારે લથડી હતી અને બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું.
15 માર્ચ 2025ના રોજ અન્ય એક એન્જિનિયરે પણ અહીં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. સારવાર દરમિયાન તેની તબિયત લથડી હતી અને મોત થયું હતું. મૃતકની પત્નીએ આરોપ લગાવ્યો કે, પતિના મોત બાદ તેમણે ડૉક્ટર સાથે વાત કરી હતી. જેમાં તેણે હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું.
આપણ વાંચો: 500 રૂપિયાની નોટને લઈને સરકારે આપ્યું એલર્ટ, તમારી પાસે રહેલાં નોટના બંડલમાં…
હેર ટ્રાન્સપ્લાન્ટની બે પદ્ધતિ
હેર ટ્રાન્સપ્લાન્ટની બે પદ્ધતિ ખૂબ જાણીતી છે. એક ફોલિક્યુલર યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશન છે. આ પદ્ધતિમાં, ડોનર વિસ્તારમાંથી વાળ ધરાવતી ચામડીની એક પટ્ટી કાપવામાં આવે છે અને પછી તેને વ્યક્તિગત ફોલિક્યુલર યુનિટ્સમાં વિભાજિત કરવામાં આવે છે. આ યુનિટ્સને પછી ટાલ પડતા વિસ્તારમાં નાના છિદ્રો બનાવીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. જ્યારે બીજી ફોલિક્યુલર યુનિટ એક્સ્ટ્રેક્શન છે. આ પદ્ધતિમાં, ડોનર વિસ્તારમાંથી એક એક કરીને વાળના ફોલિકલ્સ કાઢવામાં આવે છે. આ માટે નાના પંચનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ડોનર વિસ્તારમાં નાના ટપકાં જેવા સ્કાર રહે છે, જે લગભગ અદ્રશ્ય હોય છે. જેઓ ટૂંકા વાળ રાખવાનું પસંદ કરે છે, તેમના માટે આ ખૂબ ઉપયોગી છે.