મુસલમાન હોત તો…: જેડીયુના સાંસદનો સરકાર પર સૌથી મોટો હુમલો
નવી દિલ્હીઃ સંસદભવનની સુરક્ષા મુદ્દે આજે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીએ સરકાર પર સૌથી મોટો હુમલો કર્યો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીના સાંસદોએ સતત વિરોધ વ્યક્ત કરીને આજે સદનની કાર્યવાહી ખોરવી નાખી હતી, જ્યારે આવતીકાલ સવાર સુધી સદનની કામગીરી સ્થગિત કરી હતી. બીજી બાજુ સંસદમાં થયેલી ઘટના મુદ્દે વિપક્ષી પાર્ટી પૈકી જેડીયુના સાંસદે કેન્દ્ર સરકાર પર સૌથી મોટો દાવો કર્યો હતો.
જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ના સાંસદ રાજીવ રંજન સિંહે કહ્યું હતું કે બુધવારે જે લોકો સંસદમાં ઘૂસ્યા હતા, તેમાંથી જો કોઈ મુસલમાન હોત તો આજે ભાજપે આખા દેશમાં હોબાળો મચાવ્યો હોત. જો કોંગ્રેસના સાંસદના પાસથી કોઈ ઘૂસ્યા હોત તો સરકાર આખા દેશમાં ધમાલ મચાવી હોત.
સંસદીય કામગીરીને ખોરવવા મુદ્દે લોકસભાના 13 અને એક રાજ્યસભાના સાસંદને વર્તમાન સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે આ નિર્ણય મુદ્દે વિપક્ષે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. નીતીશ કુમારની જેડીયુના સાંસદ રાજીવ રંજન સિંહ (લલન સિંહ)એ કહ્યું હતું કે સરકારની નિષ્ફળતા છુપાવવા માટે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાંસદોએ કહ્યું હતું કે આ મુદ્દે ગૃહ પ્રધાન જવાબ આપે, પરંતુ સરકાર ડરી ગઈ છે.
દરમિયાન કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે અમારી એક ડિમાન્ડ છે કે ગૃહ પ્રધાન સદનમાં આવે અને એના અંગે જવાબ આપે. ગઈકાલે જે સુરક્ષામાં સૌથી મોટી ચૂક થઈ એ ગંભીર છે. ગઈકાલે પણ અમે એ માગણી કરી હતી અને આજે પણ એ જ માગણી કરી રહ્યા છીએ. અમારું એટલું જ કહેવું છે કે આ બધું કઈ રીતે અને શા માટે બન્યું? આ મુદ્દે પીએમ અને ગૃહ પ્રધાન ચૂપ છે. બંને સદનમાં આવે અને જવાબ આપે, એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન વિપક્ષના આરોપોને ફગાવીને સંસદીય બાબતોને લગતા પ્રધાન પ્રહ્લલાદ જોશીએ કહ્યું હતું કે આ બનાવની અમે ટીકા કરીએ છીએ. તમામ નેતાઓની બેઠક બોલાવી છે, જેમાં જે કાર્યવાહી કરવાની હતી એ કરી છે. તપાસ માટે લોકસભાના સ્પીકરના ગૃહ સચિવને આદેશ આપ્યો છે કે તેના અંગે વિગતવાર તપાસ કરવામાં આવે. દરમિયાન રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ, કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે સાંસદોને સસ્પેન્ડ કરવાની બાબતને વખોડી નાખી હતી.