નેશનલ

રાહુલ-પ્રિયંકા સાથે હતા મજબૂત સંબંધ તો પછી…….

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ કેમ છોડી?

કૉંગ્રેસના ગાંધી પરિવારના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરાના વફાદાર મિત્ર રહી ચૂકેલા કેન્દ્રના નાગરી ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં કોંગ્રેસ છોડવાનું કારણ જણાવ્યું હતું. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની વાસ્તવિક સમસ્યા એ છે કે તે એક સંગઠન તરીકે પોતાનો આધાર ગુમાવી રહી છે. પાર્ટીની વિચારસરણી વાસ્તવિકતાથી ઘણી દૂર છે.

એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના ઘણા રહસ્યો જાહેર કર્યા હતા. તેમણે કોંગ્રેસ અને ભાજપ સરકાર વચ્ચેનો તફાવત પણ જણાવ્યો હતો અને કહ્યું હતું કે મોદી સરકારે જમીની સ્તરે કામ કર્યું છે. તેમના સાડા 9 વર્ષના કાર્યકાળમાં તેમણે 74 એરપોર્ટ બનાવ્યા છે. તેમને પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમે લગાવેલા આરોપો અંગે પૂછવામાં આવ્યું હતું. ચિદમ્બરમે ઉતાવળે બાંધેલા એરપોર્ટોને એક કૌભાંડ ગણાવ્યું હતું.


જ્યારે સિંધિયાને કોંગ્રેસ સાથેના અણબનાવનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આકસ્મિક રીતે તેને પાર્ટીના ખોવાતા જન આધાર સાથે જોડ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું હતું કે જો ભાઈ-બહેન સાથેના તેમના સંબંધો સારા હતા તો સંબંધોમાં ખટાશ કેમ આવી? આના પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે- આ સંબંધોમાં ખટાશનો મામલો નથી પરંતુ સંગઠનનો આધાર ગુમાવવાનું પરિણામ છે. અમે જનતા માટે કામ કરીએ છીએ. અમારો એકમાત્ર ઉદ્દેશ્ય જનતાની સેવા કરવાનો છે, પરંતુ જ્યારે અમે તે કરી શકતા નથી…ખાસ કરીને જ્યારે હું મારા રાજ્યના મુદ્દાઓ ઉઠાવતો હતો…જ્યારે મેં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે મને બાજુ પર રાખવામાં આવ્યો હતો. સિસ્ટમ સડવા લાગી હતી…અને જ્યારે તમે આવા મુદ્દા ઉઠાવો છો ત્યારે તમારું અપમાન થાય છે…તેથી મેં દૂર જવાનું વધુ સારું માન્યું હતું.


જ્યોતિરાદિત્ય સિંધિયાને જ્યારે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે રાજ્યમાં પાર્ટી ખૂબ જ મજબૂત છે. તેમણે કહ્યું હતું કે ભાજપ પંચાયત અને બૂથ સ્તરે પણ મજબૂત છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની હતી, પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાતાની સાથે જ કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જે બાદ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં બીજેપીએ ફરી એકવાર મધ્યપ્રદેશમાં સરકાર બનાવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button