Gyanvapi dispute: ASIનો રીપોર્ટ જાહેર થશે કે નહીં? આજે સુનાવણી ટળી, હવે આ તારીખે આવશે ચુકાદો

Gyanvapi dispute: ASIનો રીપોર્ટ જાહેર થશે કે નહીં? આજે સુનાવણી ટળી, હવે આ તારીખે આવશે ચુકાદો
વારાણસી: જ્ઞાનવાપી કેસમાં ASIનો સર્વે સાર્વજનિક કરવો કે નહીં એ અંગે આજે જીલ્લા કોર્ટનો ચુકાદો આવવાનો હતો. પરંતુ મુસ્લિમ પક્ષની ગેરહાજરીને કારણે કોર્ટે આજે ચુકાદો મુલતવી રાખ્યો હતો. હવે આ કેસની આગામી સુનાવણી 3 જાન્યુઆરી 2024ના રોજ થશે. ASIએ ગત સોમવારે 18 ડિસેમ્બરના રોજ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં હાથ ધરાયેલા સર્વેનો રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં રજૂ કર્યો હતો.
આ મામલે ચુકાદો આજે એટલે કે 21મી ડિસેમ્બરે આવવાનો હતો. આજે જિલ્લા ન્યાયાધીશ વારાણસી ડો. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં હિન્દુ પક્ષ હાજર હતો, જ્યારે મુસ્લિમ પક્ષ કોર્ટમાં આવ્યો ન હતો. ડિસ્ટ્રિક્ટ જજે અંદરથી મેસેજ મોકલ્યો હતો કે આ કેસમાં બંને પક્ષો હશે તો જ હું સીટ પર બેસીશ. હિન્દુ પક્ષે કહ્યું કે આ મામલે સુનાવણી થવી જોઈએ કારણ કે આદેશ અનામત છે. મુસ્લિમ પક્ષ વતી કોઈ વકીલ હાજર નહોતો. જ્યારે હિન્દુ પક્ષના તમામ વકીલો અને વાદીના વકીલો કોર્ટમાં હાજર રહ્યા હતા.
છેલ્લી સુનાવણી પર રિપોર્ટ રજૂ કરતા પહેલા, મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી કરી હતી કે ASIએ વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ સીલબંધ પરબિડીયામાં રજૂ કરવો જોઈએ અને એફિડેવિટ વગર કોઈને પણ રિપોર્ટને સાર્વજનિક કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. રિપોર્ટ રજૂ કરવા માટે 5 સભ્યોની ટીમ સુરક્ષા વચ્ચે જિલ્લા ન્યાયાધીશ કોર્ટમાં પહોંચી હતી.