
વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી પરિસર વિવાદ અંગે આજે કોર્ટનો વધુ એક મહત્વનો ચુકાદો આવશે. જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વશેષની કોર્ટમાં બે સીલબંધ પરબીડિયામાં દાખલ કરેલ જ્ઞાનવાપીનો સર્વે રિપોર્ટ સાર્વજનિક કરવા અંગે આજે નિર્ણય લેવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ 18 ડિસેમ્બરે સર્વે રિપોર્ટ દાખલ કર્યો હતો.
હિન્દુ પક્ષે સર્વે રિપોર્ટની નકલ તાત્કાલિક જાહેર કરવા વિનંતી કરી છે, જ્યારે મુસ્લિમ પક્ષે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે રિપોર્ટની કોપી એફિડેવિટ સાથે આપવી જોઈએ કે તેને લીક કરવામાં ના આવે. રિપોર્ટના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે.
જિલ્લા ન્યાયાધીશની કોર્ટના આદેશથી એએસઆઈએ 24 જુલાઈના રોજ જ્ઞાનવાપીમાં સર્વે શરૂ કર્યો હતો. સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં અને કોર્ટમાં ફાઇલ કરવામાં 153 દિવસનો સમય લાગ્યો હતો. ASI દ્વારા સર્વે રિપોર્ટની સાથે જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવેલ પુરાવાઓની યાદી પણ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટમાં એક અરજી પણ આપવામાં આવી છે, જેમાં એએસઆઈએ સર્વેની કામગીરી કેવી રીતે કરી તેનો ખુલાસો કરવામાં આવ્યો છે.