
વારાણસી: 1992માં બાબરી વિધ્વંસ બાદ તત્કાલીન મુલાયમ સરકારે 1993માં જે મંદિર મધરાતે બંધ કરાવ્યું હતું આજે 30 વર્ષ બાદ એજ મંદિર મધરાતે પૂજા માટે ખોલવામાં આવ્યું. વારાણસી 30 વર્ષ બાદ એ સમય પાછો આવ્યો જ્યારે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરું ઘંટારવ સાથે આરતી અને શંખનાદથી ગુંજી ઉઠ્યું. વારાણસી જિલ્લા કોર્ટના ચુકાદા બાદ મધરાતે 2ના સુમારે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવામાં આવી હતી જ્યાં છેલ્લા 30 વર્ષથી પૂજા કરવા પર પ્રતિબંધ હતો.
કોર્ટના આદેશ બાદ 31 જાન્યુઆરીના રોજ રાત્રે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરાની બહાર અચાનક ભીડ વધવા લાગી અને રાત્રે 10 વાગ્યાના સમયે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડીઆઈજી જ્ઞાનવાપીના પરિસરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ જ્ઞનવપીની બહાર મૂકવામાં આવેલા બેરિકેડ્સને હટાવી દેવામાં આવ્યા હતા. જોકે મધરાતે પણ જ્ઞનવાપીની બહાર મોટી. માત્રામાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનર અશોક મુથા જૈને જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ જ દરેક પ્રકારની સુરક્ષા વ્યવસ્થા બાદ જ વ્યાસ ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપવામાં આવી છે.
કેસમાં હિંદુ પક્ષના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે જિલ્લા કોર્ટના આદેશનું પાલન કર્યું છે. મૂર્તિઓની સ્થાપના કર્યા બાદ ટ્રસ્ટના પૂજારી દ્વારા શયન આરતી કરવામાં આવી હતી. અને વ્યાસ ભોંયરામાં અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવી હતી. હવે અહી રોજ સવારની મંગળા આરતી, ભોગ આરતી, સાંજની આરતી અને શયન આરતી કરવામાં આવશે.
જ્ઞનવાપીમાં આવેલા આ ચુકાદાની તુલના હિન્દુ પક્ષ અયોધ્યામાં રામ મંદિરના તાળા ખોલવાના ચુકાદા સાથે કરી રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે કોર્ટે જે વ્યાસ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી છે તે નંદી ભગવાનની સામે છે, વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાના અધિકારને લઈને અરજી કરવામાં આવી હતી. જ્ઞાનવાપીના આ ભોંયરામાં છેલ્લા 30 વર્ષથી પૂજા થતી ન હતી.
17 જાન્યુઆરીના રોજ કોર્ટના આદેશ અનુસાર ડીએમએ 24 જાન્યુઆરીએ ભોંયરું કબજે કર્યું હતું. હિન્દુ પક્ષ સતત માંગ કરી રહ્યું હતું કે તેમને ફરીથી પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે. જોકે મુસ્લિમ પક્ષે જિલ્લા કોર્ટના આ ચુકાદા સામે વાંધો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેઓ તેને હાઈ કોર્ટમાં પડકારશે.