
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પેનલે ગુરુવારે ભૂતપૂર્વ IAS અધિકારી સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે, એમ લોકસભામાં કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મીડિયાને જાણકારી આપી હતી. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે ચૂંટણી કમિશનરની નિમણૂક માટે પસંદગી સમિતિની બેઠક 15 માર્ચે સાંજે 6 વાગ્યે યોજાશે, પણ ત્યાર બાદ આજે બપોરે 12 કલાકે આ બેઠક યોજાઇ હતી. ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે તેઓ ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા સાથે સહમત નથી.
આઠ માર્ચે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે રાજીનામુ આપ્યું હતું અને 14 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી કમિશનર અનુપ ચંદ્રા પાંડે નિવૃત્ત થયા હતા. આમ કુલ 3 ચૂંટણી કમિશનરમાંથી માત્ર એક જ ચૂંટણી કમિશનર રાજીવ કુમાર રહ્યા હતા. નોંધનીય છે કે ચૂંટણી કમિશનરની બે ખાલી પોસ્ટ માટે ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર, જ્ઞાનેશ કુમાર, સુખબીર સંધુ એમ ચાર નામ ચર્ચાઇ રહ્યા હતા.
ચૂંટણી કમિશનરની પસંદગી કરવા માટે મળેલી સમિતિની બેઠક બાદ અધીર રંજન ચૌધરીએ પસંદગીની પ્રક્રિયા સામે તેમની અસંમતિ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે સરકાર પાસે બહુમતી છે. અગાઉ તેમણે મને 212 નામ આપ્યા હતા, પણ નિમણૂકની 10 મિનિટ પહેલા તેઓએ મને ફરીથી ફક્ત છ નામ આપ્યા. પસંદગી સમિતિમાં CJI નથી. કેન્દ્ર સરકારે એવો કાયદો બનાવ્યો છે કે CJI કંઇ દખલ ના કરી શકે અને કેન્દ્ર સરકાર તેમની મરજીથી તેમને અનુકૂળ નામ પસંદ કરી શકે. મને લાગે છે કે ચૂંટણી કમિશનરની પસંદગીમાં જે પ્રક્રિયા અનુસરવામાં આવી છે, તેમાં કેટલીક ખામી છે. આમ તેમણે પસંદગીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા પસંદગી સામે પોતાની અસહમતિ દર્શાવી હતી.
ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે લોકસભાની ચૂંટણી પહેલા રાજીનામુ આપવાની જાહેરાત કર્યાના કેટલાક દિવસો બાદ આ નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકો વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની પેનલ દ્વારા કરવામાં આવી હતી. આ પેનલમાં ભારતના CJIને છઓડીને વિપક્ષના નેતા અને નિયુક્ત કેબિનેટ પ્રધાનનો સમાવેશ થાય છે.