નેશનલ

Video: ગુરુ નાનક જયંતિ પર રોશનીથી જગમગી ઉઠ્યું સુવર્ણ મંદિર…

અમૃતસર: ગુરુ નાનકજીના (Guru Nanak Dev Ji) 555 મા પ્રકાશ પર્વ પર અમૃતસરના સુવર્ણ મંદિરને (Golden Temple in Amritsar)રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ગુરુ નાનક દેવજીના 555માં પ્રકાશ પર્વની સમગ્ર વિશ્વમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. લાખો ભક્તો પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર અને પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પહોંચીને ગુરુ સાહેબના ચરણોમા માથુ ટેકાવ્યું હતું.

ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે અમૃતસરના સુવર્ણ મંદિરમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. પવિત્ર પર્વને લઈને પવિત્ર સ્થળને અદભૂત રોશનીથી શણગારવામાં આવ્યું હતું, અને આકાશમાં આતશબાજીએ ઉજવણીને વધુ વિશેષ બનાવી હતી. ગોલ્ડન ટેમ્પલ પરની ઉજવણીનાં વીડિયો હાલ ખૂબ જ શેર થઈ રહ્યા છે. ગુરુપૂર્વ નિમિત્તે સુવર્ણ મંદિરને હજારો દીવાઓ અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તળાવના શાંત પાણીમાં પ્રકાશનું પ્રતિબિંબ જોવા જેવું હતું.

પ્રકાશ પર્વને લઈને દિવસભર ગુરુવાણીનું પઠન અને શબદ કીર્તનથી વાતાવરણ ભક્તિમય રહ્યું હતું. આ સાથે લાખો ભક્તોએ સામૂહિક લંગરનો આનંદ લીધો હતો. આ પર્વની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પણ કેનેડા, યુકે, યુએસએ અને અન્ય દેશોમાં સ્થાયી થયેલા શીખ સમુદાય દ્વારા પણ ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ગુરુદ્વારાઓમાં કીર્તન, અરદાસ અને લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરુ નાનક દેવજી શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક હતા. તેમનો જન્મ 1469માં કારતક પૂર્ણિમાના દિવસે નનકાના સાહિબ (હાલ પાકિસ્તાનમાં)માં થયો હતો. તેમના ઉપદેશો પ્રેમ, સમાનતા અને સેવાના આદર્શો પર આધારિત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button