ગુજરાત દેશના વિકાસનું રાહબર: ભૂપેન્દ્ર પટેલ
બુલેટ ટ્રેનથી મુંબઈ-ગુજરાત સંબંધ વધુ દૃઢ થવાની આશા
‘રોકાણકારોની પ્રથમ પસંદગી ગુજરાત’
વાઈબ્રન્ટ ગુજરાત: મુંબઈમાં બુધવારે ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. (એજન્સી)
મુંબઈ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે અહીં દાવો કર્યો હતો કે ગુજરાત દેશના વિકાસનું રાહબર અને રોકાણકારોની સૌથી વધુ પસંદગીનું રાજ્ય બની ગયું છે.
બુલેટ ટ્રેનથી ગુજરાત અને મુંબઈ વચ્ચેના સંબંધ અને ભાગીદારી, ખાસ કરીને સામાજિક સ્તરે વધુ દૃઢ બનશે.
ગુજરાત અને મુંબઈ દેશના અર્થતંત્રના મુખ્ય સ્તંભ છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હાલ ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મુંબઈ અને ગુજરાતની ભાગીદારી બંને માટે લાભદાયી પુરવાર થશે.
૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અગાઉ અહીં યોજાયેલ ઈન્વેસ્ટર રોડ શૉ દરમિયાન બોલતાં તેમણે કહ્યું હતું કે મુંબઈ દેશની આર્થિક રાજધાની છે જ્યારે ગુજરાત રોકાણકારોની સૌથી
વધુ પસંદગીનું રાજ્ય બની ગયું છે.
તાજેતરમાં જ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના કાર્યકર્તાઓએ મોટા પ્રમાણમાં ગુજરાતી વસતિ ધરાવતા મુંબઈના ઘાટકોપર પરાં વિસ્તારમાં ગુજરાતી પૉસ્ટરોની ભાંગફોડ કરી હતી.
મુંબઈમાં મરાઠી અને ગુજરાતી સમુદાય વચ્ચે ઉષ્માના અભાવ દર્શાવતી ઘટનાઓ બની રહી હોવા
વચ્ચે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માળખાકીય સુવિધાઓના વિકાસ અને આર્થિક પ્રવૃત્તિ વધારવામાં મદદરૂપ થવાની સાથે સાથે સામાજિક સ્તરે ભાગીદારી વધારવામાં પણ સહાયરૂપ થશે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના રૂ. ૧.૬૭ લાખ કરોડને ખર્ચે પૂરી થશે.
બુલેટ ટ્રેન શરૂ થવાને કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેના પ્રવાસનો સમય ઘટીને બે કલાક અને સાત મિનિટ થઈ જશે.
ભૂપેન્દ્ર પટેલે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ પ્રોજેક્ટનો ૩૮ ટકા હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે.
તેમણે કહ્યું હતું કે આ યોજના મુંબઈ અને ગુજરાતસ્થિત કંપનીઓ માટે લાભદાયી પુરવાર થશે.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરીની ૧૦થી ૧૨ તારીખ દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનાવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે આ ફોરમનો આરંભ કરવામાં આવ્યો હતો અને હાલ તે બિઝનેસ નૅટવર્ક, જ્ઞાન અને વ્યૂહાત્મક ભાગીદારી માટેનો સૌથી મોટો વૈશ્ર્વિક મંચ બની ગયો છે, એમ તેમણે કહ્યું હતું.
રૉડ શૉ બાદ ભૂપેન્દ્ર પટેલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મૂકેશ અંબાણી, ટાટા સન્સના એન. ચંદ્રશેખરન, યુપીએલના જય શ્રોફ, એસ્સારના પ્રશાંત રુઈયા અને કુમાર મંગલમ બિરલા સહિતના લોકો સાથે બેઠક કરી હતી.
સમારોહને સંબોધન કરતા આઈટીસીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પૂરીએ કહ્યું હતું કે અમારી કંપનીએ ગયા વરસે ગુજરાતમાં નવી હૉટેલ અને પૅકેજિંગ યુનિટ માટે રૂ. ૧,૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જૂથના પ્રસિડન્ટ ધનરાજ નથવાણીએ કહ્યું હતું કે રિલાયન્સ જૂથની કંપીઓએ ગુજરાતમાં ચાર લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આ રકમ વધારીને હવે પાંચ લાખ કરોડ રૂપિયા કરવાની યોજના છે.
સોલાર પીવી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી, બૅટરી ગીગા ફેક્ટરી, ઈલેક્ટ્રોલાઈઝર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી (તમામ જામનગરમાં) નાખવાની પણ અમારી યોજના છે, એમ તેમણે કહ્યું હતું.
ગુજરાતમાં પચીસ કોમ્પ્રેસ્ડ બાયોગૅસ યુનિટ નાખવાની પણ અમારી યોજના છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે ગિફ્ટ સિટીના બીજા તબક્કાની યોજના અમે બનાવી રહ્યા છીએ અને તે હાલના ૪૦૦ હેક્ટર કરતા ત્રણગણાથી પણ વધુ એટલે કે ૧૪૦૦ હેક્ટર જમીન પર તૈયાર કરવામાં આવશે.
સૅન ફ્રાન્સિસ્કો, હૉંગ કૉંગ, સિંગાપોર અને બાર્સૅલોનાના ધોરણે સાબરમતીની પાસે આ અત્યાધુનિક સિટી તૈયાર કરવાની યોજના છે.
આ વર્ષના અંત સુધીમાં સૂરત ડાયમંડ બૂર્સ શરૂ થઈ જશે અને તેને કારણે બે લાખ કરતા પણ વધુ નોકરી ઊભી થશે, એમ તેમણે કહ્યું હતું.
હાઈ સ્પિડ રેલ કોરિડોર ગૅમ ચૅન્જર અને દેશનો સૌથી વાઈબ્રન્ટ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર સાબિત થશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)