ઉત્તરાખંડમાં ગુજરાતના 141 પ્રવાસીઓ ફસાયા, પરિવારજનો ચિંતિત | મુંબઈ સમાચાર

ઉત્તરાખંડમાં ગુજરાતના 141 પ્રવાસીઓ ફસાયા, પરિવારજનો ચિંતિત

અમદાવાદઃ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે વરસેલા ભારે વરસાદ પછી ખીર ગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ધારેલી શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે માહિતી આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર અને વડોદરાના પ્રવાસીઓ ત્યાં હોવાની માહિતી રાજ્ય સરકારને મળી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૂચનાને પગલે રાજ્ય સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓ ઉત્તરાખંડના એસ.સી.ઓ.સીના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને ગુજરાતના ૧૪૧ પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં કુદરતનો કહેર, અનેક અડચણો વચ્ચે NDRF અને SDRFએ 400 લોકોના જીવ બચાવ્યા

વધુમાં પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હાલની ખરાબ વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને રાખીને આ પ્રવાસીઓનો એરલિફ્ટ પોસિબલ ન હોવાનું ત્યાંની સરકારે જણાવ્યું છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે, જેમને મેડિકલ આસિસ્ટન્ટની જરૂર પડી છે તેમને તમામ પ્રકારની મેડિકલ સારવાર સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનું ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર ગુજરાતથી ઉત્તરાખંડના ઉત્તર કાશી જગ્યામાં ફસાયેલા પ્રત્યેક નાગરિકને બચાવવા માટે પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે. રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સતત સંપર્કમાં રહીને વહેલી તકે તમામ ગુજરાતના પ્રવાસીઓનો રેસ્ક્યુ કરી લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. પાટણ(હારિજ) ના પ્રવાસીઓ માટે ટુર ઓપરેટર સાથે વાત કરવામાં આવી હતી અને ટુર ઓપરેટરે જણાવ્યું કે બધા યાત્રાળુઓ સુરક્ષિત છે.

આ પણ વાંચો: ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે 199 ના મોત! ઉત્તરાખંડમાં હજી પણ ભારે વરસાદની આગાહી

અમદાવાદના ૯૯ યાત્રાળુઓ મંદાકિની ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત છે. તેમજ ઉત્તરકાશીએ નજીકના તબીબી કેન્દ્રમાંથી તબીબી સહાય માટે ૪ યાત્રાળુઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ૧૦ યાત્રાળુઓ સુરક્ષિત હોવાનું ડીઈઓસી બનાસકાંઠાએ જણાવ્યું છે. ભાવનગર ૧૫ યાત્રાળુઓ ધારાલીથી ૩૦ કિમી દૂર અને વડોદરાના ૫ યાત્રાળુઓ આર્મી કેમ્પ ગંગોત્રીમાં સુરક્ષિત છે. વહીવટીતંત્રે યાત્રાળુઓ અને ત્યાંના નાગરિકોને સહયોગ આપવા માટે અપીલ કરી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button