Top Newsનેશનલ

બેંગ્લુરુની 7 સ્કૂલોમાં બોમ્બની ધમકીનો ઇમેઇલ કરનારી ગુજરાતી યુવતી ઝડપાઈ, અંગત બદલો લેવા કર્યું હતું કૃત્ય

બેંગ્લુરૂ: શહેરમાં એક 30 વર્ષીય ગુજરાતી યુવતીની સાત સ્કૂલોમાં બોમ્બની ધમકી આપતો ઇમેલ મોકલવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અંગત બદલો લેવા યુવતીએ આ કૃત્ય કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રેની જોશીડા સોફ્ટવેર એન્જિનિયર છે, તેણે પ્રેમ સંબંધનો પ્રસ્તાવ નકારનારા એક યુવકને ગુનાહિત કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બેંગ્લુરુની સાત શાળાઓને બોમ્બની ધમકીના ઇમેઇલ મોકલ્યા હતા, જેમાં તેને આશા હતી કે ડિજિટલ ટ્રેસ તે યુવક તરફ દોરી જશે.

પોલીસે જણાવ્યું કે, રેનીએ પોતાનું લોકેશન છુપાવવા માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. તેણે અનેક ઓનલાઈન એકાઉન્ટ બનાવવા માટે “ગેટ કોડ” નામની મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી નંબરો જનરેટ કર્યા હતા. વધુ તપાસમાં સામે આવ્યું કે તેણે પોતાની જાળવી રાખવા અને યોજનાને અંજામ આપવા માટે અલગ-અલગ નામે સાત વોટ્સએપ એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા.

ધમકીભર્યા ઇમેઇલ મળ્યા બાદ પોલીસે શાળાના પરિસરોમાં સર્ચ કર્યું હતું, પરંતુ કોઈ વિસ્ફોટકો મળ્યા નહોતા. જોકે, સાવચેતીના ભાગરૂપે શાળાઓને થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી. અધિકારીઓએ એ પણ પુષ્ટિ કરી કે આરોપી મહિલાની અગાઉ ચેન્નઈ પોલીસ દ્વારા પણ આ પ્રકારની બોમ્બ ધમકીની ઘટનામાં ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો મુજબ, તેણી તમિલનાડુ અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફોજદારી કેસોનો સામનો કરી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે, ઇમેઇલ એલર્ટની જાણ થતાં જ તપાસ શરૂ કરવામાં આવી હતી. અમે એડવાન્સ્ડ ફોરેન્સિક ટૂલ્સનો ઉપયોગ કરીને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને ટ્રેસ કર્યા હતા. તેના દ્વારા વીપીએન અને વર્ચ્યુઅલ IDsનો ઉપયોગ કરવા છતાં, અમારી ટીમ તેના ડિજિટલ ટ્રેઇલ અને IP વિસંગતતાઓ દ્વારા તેની ઓળખ કરી શકી. આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે કર્ણાટકમાં અગાઉ નોંધાયેલા અન્ય સમાન ગુનાઓમાં આરોપીની સંડોવણી છે કે કેમ, તે નક્કી કરવા માટે વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો…ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી, એરપોર્ટ ઓથોરિટીને આવ્યો મેઈલ…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button