
અમદાવાદ/નવી દિલ્લીઃ ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આ દરમિયાન ફરી એક વખત હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભર શિયાળે માવઠું પડી શકે છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન કરા સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં માવઠું પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે. આ દરમિયાન રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
દેશમાં કેવું રહેશે હવામાન
ભારતીય હવામાન વિભાગના અંદાજ મુજબ, મહારાષ્ટ્રમાં 17 જાન્યુઆરીના રોજ પણ રાજ્યમાં ઠંડી, ધુમ્મસ અને તાપમાનમાં વધઘટ ચાલુ રહેશે. સમગ્ર રીતે જોતા, રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી હવામાન સૂકું થી અંશતઃ વાદળછાયું રહેવાની શક્યતા છે. સવારે અને રાત્રે ઠંડી તથા ધુમ્મસ, જ્યારે બપોરે ગરમી અનુભવાશે. તાપમાનમાં આ ઉતાર-ચઢાવ ચાલુ રહેશે.
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને કેટલીક જગ્યાએ તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગ મુજબ શીતલહેરથી જનજીવન પ્રભાવિત થયું છે. દિલ્હી-એનસીઆરમાં આગામી કેટલાક દિવસો સુધી ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે. 17 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
ઉત્તર ભારત તીવ્ર ઠંડી, ગાઢ ધુમ્મસ અને ઠંડીના મોજા હેઠળ ઝઝૂમી રહ્યું છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશામાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ઠંડીનો કહેર રહેશે. આગામી 5-6 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારત અને બિહારમાં ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી બે દિવસ સુધી ઠંડીની સ્થિતિ રહેશે.
17 થી 21 જાન્યુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો થી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે, જ્યારે 18 થી 20 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે.
આ પણ વાંચો…દેશના આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, અમરેલીમાં 6 ડિગ્રી તાપમાન, જાણો મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન



