Top Newsનેશનલ

ગુજરાતમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો, જાણો મહારાષ્ટ્ર સહિત દેશનું હવામાન

અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ગરમી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. રાજ્યના અનેક શહેરોમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે રાજ્યભરમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે, આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 14મી ફેબ્રુઆરી સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે. એટલે કે, હાલ ગરમીમાંથી કોઈ રાહત મળવાના એંધાણ નથી અને વરસાદની પણ શક્યતા નથી. હવે પછીનો સમય મિક્સ ઋતુનો જોવા મળશે. જેથી વહેલી સવારે અને રાતે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થશે. એટલે કે, દિવસના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થશે નહીં. જો કે, 15મી બાદ તાપમાનમા ફરી થોડો ઘટાડો થવાની વકી છે.

ભારતીય હવામાન વિભાગ અને સ્થાનિક હવામાન નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં વાતાવરણ ફરી એકવાર પલટો મારવા જઈ રહ્યું છે. એક તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદની શક્યતા છે, તો બીજી તરફ ગુજરાતમાં ‘મિક્સ સીઝન’ વચ્ચે ઠંડીનું જોર વધી શકે છે. IMDએ સ્પષ્ટતા કરી છે કે, ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ઠંડીનું મોજું ફરી તીવ્ર બની શકે છે. પશ્ચિમી વિક્ષોભ સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડા પવનો લાવશે, જેના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. તો તેની અસર ગુજરાતના હવામાનમાં પણ થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ગરમી અને ઠંડીની સંતાકૂકડી ચાલી રહી છે. ક્યારેક બપોરે આકરો તડકો, તો ક્યારેક વહેલી સવારે ઠંડક – આવું વિચિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે, હવામાન વિભાગ મુજબ, ઉત્તર ભારતથી આવતા પવનોને કારણે મહારાષ્ટ્રના તાપમાનમાં ફરી એકવાર ઉતાર-ચઢાવ જોવા મળશે. હાલમાં ઉત્તર ભારતમાં પેસિફિક મહાસાગર તરફથી એક પછી એક આવતા તોફાની પવનોને કારણે હવામાનની દિશા સતત બદલાઈ રહી છે. જોકે આ તોફાનોનું જોર પહાડી વિસ્તારોમાં વધુ છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા સૂકા અને ઠંડા પવનોનો પ્રભાવ વધવાને કારણે, આગામી બે થી ત્રણ દિવસમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેના કારણે ઉત્તર મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં રાત્રિના સમયે ફરી એકવાર ઠંડીનો અનુભવ થશે.

દેશભરમાં કેવું રહેશે હવામાન

આવનારા દિવસોમાં પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે, જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધશે. હવામાનમાં આ ફેરફાર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉપરના વાતાવરણમાં સર્જાયેલા ટ્રફને કારણે માનવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 અને 16 ફેબ્રુઆરીની આસપાસ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. તેનાથી વિપરીત, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના મેદાની વિસ્તારોમાં તડકો રહેશે અને દિવસનું તાપમાન ઊંચું જશે. લઘુત્તમ તાપમાનમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે.

દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની ગતિ વધીને 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

આ પણ વાંચો…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button